અમે ભારત સાથે મહત્વાકાંક્ષી વેપાર કરાર ઇચ્છીએ છીએઃ રિશી સુનાક

ભારત સાથેના મુક્ત વેપાર કરાર માટે પ્રતિબદ્ધ, બંને દેશો વચ્ચે વેપારમાં વિશાળ સંભાવના રહેલી છેઃ વડાપ્રધાન

Tuesday 04th July 2023 11:58 EDT
 
 

લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકે ભારત સાથે સાચા અને મહત્વાકાંક્ષી મુક્ત વેપાર કરાર પરની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. લંડનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમના યુકે-ઇન્ડિયા વીકની ઉજવણીના સ્પેશિયલ રિસેપ્શનનું આયોજન કરતાં સુનાકે જણાવ્યું હતું કે, હું અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢપણે માનીએ છીએ કે દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં વધારામાં વિશાળ સંભાવનાઓ રહેલી છે.

આ રિસેપ્શનમાં બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ, સંગીતકારો શંકર મહાદેવન અને ઝાકિર હુસેન, બોલિવૂડ સ્ટાર સોનમ કપૂર અને વિવેક ઓબેરોય સહિત બિઝનેસ લીડર્સ અને સેલિબ્રિટી હાજર રહ્યાં હતાં. સુનાકે જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચે વેપારની વિપુલ સંભાવનાઓ છે અને હું તથા નરેન્દ્ર મોદી બંને દેશોને લાભકારક એવી મહત્વાકાંક્ષી ટ્રેડ ડીલ કરવા ઇચ્છીએ છીએ. આ વેપાર કરારના કારણે ભારત અને યુકેના વેપાર ધંધા અને ગ્રાહકો માટે વ્યાપક તકો સર્જાશે.

સુનાકે જણાવ્યું હતું કે, આ ફક્ત યુકે-ઇન્ડિયા વીક નથી પરંતુ ભારતીય ઊનાળો છે. હું ફક્ત ગરમીની વાત કરી રહ્યો નથી. મારો કહેવાનો અર્થ એ છે કે આગામી સપ્તાહોમાં સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત પર કેન્દ્રિત થશે. નવી દિલ્હીમાં જી-20 શિખર સંમેલન યોજાવા જઇ રહ્યું છે ત્યારે તેમાં હાજરી આપવા હું ઘણો આતુર છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter