અમે ભૂલીશું નહિઃ યુકેને રશિયાની વળતા પ્રહારની સીધી ધમકી

Wednesday 09th March 2022 02:07 EST
 
 

લંડનઃ રશિયાએ યુકેને સીધી ધમકી જારી કરતા કહ્યું હતું કે યુક્રેનને તમારા સપોર્ટને અમે ભૂલીશું નહિ. આ સાથે સખત વળતા પ્રહારની ચેતવણી પણ આપી હતી. પશ્ચિમી દેશોના પ્રતિબંધોથી વિશ્વમાં એકલા પડી ગયેલા રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને ગુસ્સામાં કહ્યું હતું કે રશિયા વિરુદ્ધના પ્રતિબંધોને ‘યુદ્ધની ઘોષણા’ સમાન ગણવામાં આવશે. જો નાટો દળો યુદ્ધમાં સંકળાશે તો ન્યુક્લિયર સ્ટ્રાઈકની ગર્ભિત ચેતવણી પણ આપી હતી.

પુટિને જો નાટો દળો યુક્રેન યુદ્ધમાં જોડાશે તો ન્યુક્લિયર સ્ટ્રાઈકની ગર્ભિત ચેતવણી આપતા કહ્યું હતું કે આનાથી માત્ર યુરોપ માટે નહિ, સમગ્ર વિશ્વ માટે વિનાશક પરિણામો સર્જાશે. તેમણે રશિયન બેન્કો અને પોતાના ધનવાન સહયોગીઓ સામે લદાયેલા પ્રતિબંધો અને સંપત્તિ સ્થગિત કરવાના પગલાંની આકરી ટીકા કરી હતી. પુટિને એમ પણ કહ્યું હતું કે યુક્રેન પર નો- ફ્લાય ઝોન જાહેર કરવા માગતા કોઈ પણ દેશ યુદ્ધમાં જોડાયા હોવાનું રશિયા માની લેશે.

આ પછી, રશિયાના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારીઆ ઝાખારોવાએ યુકે માટે આકરી ટીકાત્મક ધમકી જારી કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ‘યુક્રેનના અલ્ટ્રા-નેશનાલિસ્ટ દળોને સહકાર અને કીવ શાસનને બ્રિટિશ શસ્ત્રોનો પુરવઠો આપવાની યુકેની ઈચ્છાને રશિયા ભૂલશે નહિ. પ્રતિબંધોના હિસ્ટિરિયામાં લંડન મુખ્ય નહિ તો, અગ્ર ભૂમિકા નિભાવી રહ્યું છે જેના પરિણામે વળતા સખત પગલાં લેવાં સિવાય કોઈ પસંદગી રહેશે નહિ. લંડને રશિયાના ખુલ્લેઆમ વિરોધના આખરી વિકલ્પની પસંદગી કરી લીધી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter