અમે મહારાષ્ટ્રને વૈશ્વિક ટુરિઝમ પટલ પર રજૂ કરવા માગીએ છીએ: મંગલ પ્રભાત લોધા

વર્લ્ડ ટ્રાવેલ માર્ટમાં વિદેશી પર્યટકોને આકર્ષવા મહારાષ્ટ્રની ઝાંખી રજૂ કરાઇ

Wednesday 16th November 2022 06:36 EST
 
 

લંડનઃ લંડનમાં 7 થી 9 નવેમ્બર વચ્ચે વર્લ્ડ ટ્રાવેલ માર્ટનું આયોજન કરાયું હતું. તેના અદ્વિતિય ભારત હિસ્સામાં મુંબઇના પ્રસિદ્ધ ગેટ વે ઓફ ઇન્ડિયાની પ્રતિકૃતિ સ્થાપિત કરાઇ હતી. તે ઉપરાંત પંઢરપુરની વાર્ષિક યાત્રાનું જીવંત નિદર્શન, મહારાષ્ટ્ર્રની લગ્નવિધિ અને યુનેસ્કો દ્વારા મહારાષ્ટ્રમાં જાહેર કરાયેલી વૈશ્વિક ધરોહરના 360 ડિગ્રી વીડિયો પણ રજૂ કરાયાં હતાં. આ પ્રસંગે મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રી મંગલ પ્રભાત લોધા અને પ્રવાસન સચિવ સૌરભ વિજય હાજર રહ્યાં હતાં.
ગુજરાત સમાચાર સાથેની વિશેષ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, વર્લ્ડ ટ્રેડ માર્ટના માધ્યમથી અમે આંતરરાષ્ટ્રીય પર્યટકો સુધી પહોંચીને તેમને મહારાષ્ટ્રના અદ્દભૂત પ્રવાસન સ્થળો તેમજ અસંખ્ય અદ્દભૂત ઉત્પાદનોથી અવગત કરાવવા માગીએ છીએ. પશ્ચિમના દેશોના ઘણા લોકો જાણતા નથી કે મહારાષ્ટ્રમાં અદ્દભૂત કુદરતી અને ઐતિહાસિક પ્રવાસન સ્થળો આવેલાં છે. મહારાષ્ટ્ર પાસે સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ વાનગીઓનો રસથાળ છે. ઘણા પ્રવાસીઓ મુંબઇને જાણે છે પરંતુ અમે તેમને મુંબઇ અને બિઝનેસ સિવાયના મહારાષ્ટ્રની ઓળખ કરાવવા માગીએ છીએ. પશ્ચિમના પ્રવાસીઓને માહિતીથી અવગત કરાવવા અમે દસ્તાવેજી ફિલ્મો તૈયાર કરી છે. અમે ઇકો ટુરિઝમ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. અમે પ્રવાસીઓ માટે વણખેડાયેલું મહારાષ્ટ્ર ખુલ્લું મૂકવા ઇચ્છીએ છીએ.
મંગલ પ્રભાત લોધાએ જણાવ્યું હતું કે, અમે રાજ્યમાં ટુરિઝમ સર્કિટ તૈયાર કરી રહ્યાં છીએ. જાપાનની મદદથી અમે ઔરંગાબાદ, પૂણે, નાસિક અને મુંબઇની હેરિટેજ સર્કિટ વિકસાવી છે. અમે વિદેશી પ્રવાસીઓને પંઢરપુરની યાત્રા અને મુંબઇના ગણેશોત્સવનો હિસ્સો બનાવવા માગીએ છીએ. અમે આ બંને ઉત્સવને આંતરરાષ્ટ્રીય માન્યતા માટે અરજી કરી રહ્યાં છીએ. 20223માં અમે દરિયા કિનારા, સંસ્કૃતિ, શિવાજીના કિલ્લા, પોર્ટુગિઝ સ્થળો, ટેમ્પલ ટુરિઝમ, મેડિકલ વેલનેસ ટુરિઝમ અને વાઇલ્ડલાઇફ ટુરિઝમ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter