અમેરિકન એક્સએલ બુલી શ્વાન પર પ્રતિબંધ મૂકવા સરકારની કવાયત

શ્વાનની આ પ્રજાતિ પર રોક લગાવવા વર્ષના અંત સુધીમાં કાયદો ઘડાશેઃ સુનાક

Tuesday 19th September 2023 12:47 EDT
 

લંડનઃ દેશમાં અમેરિકન એક્સએલ બુલી શ્વાન દ્વારા બીજા જીવલેણ હુમલા બાદ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે વર્ષના અંત સુધીમાં આ પ્રજાતિના શ્વાન પર પ્રતિબંધ મૂકાશે. વેસ્ટ મિડલેન્ડ્સમાં અમેરિકન એક્સએલ બુલી શ્વાન દ્વારા કરાયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયા બાદ સુનાક દ્વારા આ જાહેરાત કરાઇ હતી. ગયા સપ્તાહમાં બર્મિંગહામમાં 11 વર્ષની કિશોરી પર અમેરિકન એક્સએલ બુલી શ્વાને કરેલા હુમલામાં કિશોરીને ગંભીર ઇજા પહોંચી હતી.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, શ્વાનની આ પ્રજાતિ આપણા સમાજ અને બાળકો માટે અત્યંત જોખમી છે. હું જનતાને આશ્વાસન આપવા માગુ છું કે શ્વાન દ્વારા થતા હુમલા અટકાવવાના વિકલ્પો પર અમે તાકિદે કામ કરી રહ્યાં છીએ. આ માટે મેં મંત્રીઓ, પોલીસ અને નિષ્ણાતોને સાથે મળીને કામ કરવા નિર્દેશ આપ્યો છે જેથી હુમલા માટે જવાબદાર શ્વાનની પ્રજાતિને ગેરકાયદેસર જાહેર કરી શકાય. હાલ કાયદામાં આ પ્રજાતિ માટે કોઇ જોગવાઇ નથી. અમે કાયદા અંતર્ગત આ પ્રજાતિને ભયજનક જાહેર કરીશું અને વર્ષના અંત સુધીમાં કાયદો અમલમાં આવી જશે.

છેલ્લા પાંચ વર્ષમાં શ્વાન દ્વારા થતા હુમલામાં 34 ટકાનો વધારો થયો છે. 2018માં શ્વાન દ્વારા હુમલાની 16,394 ઘટના નોંધાઇ હતી જે 2022માં વધીને 21,918 પર પહોંચી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter