લંડન
પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં હિન્દુઓની વસતી 110 કરોડ કરતાં વધુ છે અને તેમાંથી 94 ટકા ભારતમાં વસવાટ કરે છે. ભારતની બહાર નેપાળમાં હિન્દુઓની સૌથી વધુ વસતી છે. નેપાળ બાદ બાંગ્લાદેશમાં સૌથી મોટી સંખ્યામાં હિન્દુઓ વસવાટ કરે છે. બ્રિટનમાં સરકારી આંકડા પ્રમાણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં હિન્દુઓની વસતી બે ટકા છે જ્યારે અમેરિકામાં હિન્દુઓની વસતી એક ટકા કરતાં પણ ઓછી છે.
તેમ છતાં અમેરિકા અને યુરોપના દેશોમાં હિન્દુઓની ગણના સૌથી વધુ શિક્ષિત ધાર્મિક સમુદાય તરીકે થાય છે. અમેરિકામાં યહૂદીઓ પછી હિન્દુ સૌથી શિક્ષિત સમુદાય છે. બ્રિટનમાં પણ હિન્દુઓ સ્થાનિક સમુદાયો કરતાં શિક્ષણમાં વધુ આગળ છે. જોકે હિન્દુ બહુલ ભારતમાં હિન્દુ સમુદાય કરતાં શિખ અને ખ્રિસ્તી સમુદાયો શિક્ષણમાં વધુ આગળ છે.
તાજેતરમાં જ દીવાળીનો તહેવાર સંપન્ન થયો. હિન્દુઓ દ્વારા સમગ્ર વિશ્વમાં દીવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. પ્યૂ રિસર્ચ અનુસાર 95 ટકા કરતા વધુ હિન્દુ દીવાળીનો તહેવાર ઉજવે છે. હિન્દુઓ દીવાળી ઉપરાંત અન્ય ધાર્મિક ઉત્સવોમાં પણ ભાગ લે છે. રિપોર્ટ અનુસાર 17 ટકા હિન્દુ ક્રિસમસ અને 7 ટકા હિન્દુ ઇદની ઉજવણી પણ કરે છે. તો સામે પક્ષે ભારતમાં 98 ટકા જૈન, 90 ટકા શિખ, 79 ટકા બૌદ્ધ, 31 ટકા ખ્રિસ્તી અને 20 ટકા મુસ્લિમો પણ દીવાળીની ઉજવણી કરે છે.


