લંડનઃ 2023ના પ્રારંભે યુકે સરકારે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ઇટીએ) પ્રોગ્રામની જાહેરાત કરી હતી. બોર્ડર સિક્યુરિટી અને પ્રવાસીઓના અનુભવોને સુદ્રઢ બનાવવાના આશયથી 2025 સુધીમાં યુકેની સરહદોને આધુનિક બનાવવાની યોજનાના ભાગરૂપે ઇટીએનો પ્રારંભ કરાયો હતો. ઇટીએ યુકેમાં વિઝા વિના જ થોડા દિવસ માટે રોકાણ કરવા ઇચ્છતા અથવા તો ટૂંકાગાળાની મુલાકાત લેવા ઇચ્છતા વ્યક્તિઓ માટે વર્ચ્યુઅલ પરમિટની ગરજ સારે છે.
અમેરિકાની ઇએસટીએ સિસ્ટમ પર આધારિત આ સિસ્ટમ સંપુર્ણપણે ડિજિટલ છે અને પરંપરાગત દસ્તાવેજી કામકાજને ઘટાડે છે. જે રીતે યુકેના નાગરિકો અમેરિકા જતા પહેલાં ઇએસટીએ એપ્લિકેશન ઓનલાઇન કરી શકે છે તેવી જ રીતે યુકે આવતતા પહેલાં વિદેશી પ્રવાસીઓ માટે ઇટીએ કામ કરે છે.
જોકે સરકાર દ્વારા સત્તાવાર રીતે ઇટીએ મેળવવા માટે ચોક્કસ કઇ બાબતો જરૂરી બની રહેશે તેની જાહેરાત કરાઇ નથી પરંતુ ઇટીએ મેળવવા ઇચ્છતા વિદેશી મુલાકાતીઓએ તેમના પાસપોર્ટની વિગતો. બાયોમેટ્રિક માહિતી સિક્યુરિટીના સવાલોના જવાબ ઓનલાઇન આપવાના રહેશે. તેમની અરજીની સમીક્ષા બાદ તેમને યુકેની મુલાકાત લેવાની પરવાનગી અપાશે. ઇટીએ પ્રોગ્રામ અમલી બનતાં જ હાલમાં અમલી ઇલેક્ટ્રોનિક વિઝા વેઇવર સિસ્ટમનો અંત આવી જશે.

