લંડનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ 3 દિવસની બ્રિટનની મુલાકાતે આવ્યા હતા. બ્રિટિશ રાજવી પરિવાર દ્વારા અત્યાર સુધીમાં કોઇપણ વિદેશી નેતાનું ન કરાયું હોય તેવું ભવ્ય સ્વાગત અમેરિકાના પ્રથમ દંપતીનું કરાયું હતું. આધુનિક સમયમાં કોઇપણ અમેરિકી પ્રમુખની આ ઐતિહાસિક બીજીવારની બ્રિટન મુલાકાત હતી. સામાન્ય રીતે યુકેના પ્રવાસમાં અમેરિકી પ્રમુખ રાજવી સાથે ફક્ત ચ્હા કે લંચ લેતા હોય છે. પરંતુ કિંગ ચાર્લ્સે ટ્રમ્પના માનમાં ભવ્ય ડીનરનું આયોજન કર્યું હતું.
મંગળવારે રાત્રે લંડન પહોંચેલા ટ્રમ્પ અને મેલાનિયાએ અમેરિકી રાજદૂતના નિવાસસ્થાન ખાતે રાત વિતાવી હતી. બુધવારે સવારે તેઓ મરીન વન દ્વારા ઉડાન ભરીને વિન્ડસર કેસલ પહોંચ્યા હતા જ્યાં તેમનું હોર્સ ડ્રોઉન પ્રોસેસન અને ગાર્ડ ઓફ ઓનર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમણે કિંગ ચાર્લ્સ, ક્વીન કેમિલા, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન સાથે બગીમાં સવાર થઇ એસ્ટેટની મુલાકાત લીધી હતી. ટ્રમ્પના સ્વાગત માટે મિલિટરી પરેડનું પણ આયોજન કરાયું હતું જેમાં પહેલીવાર ગ્રેનેડિયર ગાર્ડ્સ, કોલ્ડસ્ટ્રીમ ગાર્ડ્સ અને સ્કોટ ગાર્ડ્સે એકસાથે ભાગ લીધો હતો.
બપોરના ભોજન બાદ ટ્રમ્પ અને મેલાનિયાએ રોયલ કલેક્શન નિહાળ્યું હતું. તેમણે સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે સ્વ. ક્વીન એલિઝાબેથ દ્વિતીયની કબર પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. ત્યારબાદ રેડ એરોઝ અને બ્રિટિશ તથા અમેરિકન એફ-35 વિમાનો સાથે ટ્રમ્પને ફ્લાય પાસ્ટ દ્વારા સલામી અપાઇ હતી. આ ઘટનાક્રમ બાદ સાંજે વિન્ડસર કેસલમાં વ્હાઇટ-ટાઇ બેન્ક્વેટનું આયોજન કરાયું હતું. જેમાં રાજવી પરિવારના સભ્યો સહિત અગ્રણી મહાનુભાવો સામેલ થયાં હતાં.


