લંડનઃ પ્રિન્સ વિલિયમે જાહેરાત કરી છે કે વર્ષ 2026ના અર્થશોટ પ્રાઇઝ સમારોહના યજમાન તરીકે ભારતની પસંદગી કરાઇ છે. પ્રિન્સે જણાવ્યું હતું કે, ગ્લોબલ એન્વાયરમેન્ટલ એવોર્ડ્સ સમારોહ નવેમ્બરમાં મુંબઇ ખાતે યોજાશે. પહેલીવાર ભારતમાં આ ઇવેન્ટ યોજાવા જઇ રહી છે.
આ એવોર્ડ સેરેમનીમાં સમગ્ર વિશ્વના પર્યાવરણ એક્ટિવિસ્ટ, સખાવતી અને ઇન્વેસ્ટર્સ હાજર રહેશે. પ્રિન્સે જારી કરેલા વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, બ્રાઝિલમાં યોજાયેલી ઇવેન્ટથી અર્થશોટ દાયકાને વેગ મળ્યો હતો. હવે અમે ક્યાં ઇવેન્ટ યોજવાના છીએ તેની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. ભારતને ગ્લોબલ ટેકનોલોજી લીડર ગણાવતા પ્રિન્સે જણાવ્યું હતું કે, ભારત વિશ્વની 8 ટકા વનરાજી ધરાવતો દેશ છે. વિશ્વમાં સૌથી યુવા વસતી ધરાવવાની સાથે વિકાસ પામતું સૌથી મોટું અર્થતંત્ર છે.


