લંડનઃ મુંબઇ ખાતે અર્થશોટ પ્રાઇઝ સમારોહમાં પ્રિન્સેસ ઓફ વેલ્સે જણાવ્યું હતું કે, અર્થશોટ પ્રાઇઝ વિજેતાઓ લોકોના જીવનમાં સુધારો લાવવા માટે ધરમૂળથી પરિવર્તન લાવશે.
પ્રિન્સ વિલિયમ દ્વારા સ્થાપિત આ એવોર્ડ સમારોહમાં કેટ મિડલટને એક દુર્લભ સંબોધન કરતા પર્યાવરણીય સંકટ સામે લડી રહેલા ઉદ્યોગસાહસિકો, સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો દ્વારા જગાડવામાં આવેલી આશા પર પ્રકાશ પાડ્યો હતો.
આ સમારોહમાં પોતાના મુખ્ય સંબોધનમાં પ્રિન્સ વિલિયમે પણ તેમના પત્નીની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ દાયકો એવો સમય છે જ્યારે સકારાત્મક પરિવર્તન અટલ બની જાય છે અને ઇતિહાસ ફક્ત પડકારોથી જ નહીં, પરંતુ તેનો સામનો કરવા માટે આગળ આવનારા લોકો દ્વારા પણ લખાય છે.
પૃથ્વી સામેના પડકારો અંગે મહેમાનોને સંબોધતા કેટ મિડલટને કહ્યું: લાખો વર્ષોથી જીવન ટકાવી રાખનારા નિવાસસ્થાનો આપણી નજર સામે અદૃશ્ય થઈ રહ્યા હોવાથી સમગ્ર પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે, અને આપણું પર્યાવરણ પહેલાં કરતાં વધુ ઝડપથી બદલાઈ રહ્યું છે. સદભાગ્યે, આશા રાખવાનું કારણ છે. સમગ્ર વિશ્વમાં લોકો આપણી આસપાસની દુનિયાને બચાવવા, પુનઃસ્થાપિત કરવા અને તેનું જતન કરવાના નવા રસ્તાઓ શોધી રહ્યા છે. તેઓ આપણને યાદ અપાવે છે કે ઉજ્જવળ ભવિષ્ય એવી બાબત છે જે આપણે સૌ સાથે મળીને હાંસલ કરી શકીએ છીએ.
વિલિયમના 10 વર્ષીય અર્થશોટ પ્રાઇઝ પ્રોજેક્ટ માટે કેટ મિડલટનને "ગર્વ" હોવાનું કહેવાય છે. આ પ્રોજેક્ટ અત્યારે તેના મધ્ય તબક્કામાં છે, જેનો હેતુ પૃથ્વીને સુધારવા માટેના વિચારો શોધવાનો, તેમને પુરસ્કૃત કરવાનો અને મોટા પાયે અમલમાં મૂકવાનો છે.

