અલકાયદા માસ્ટરમાઇન્ડ ધીરેન બારોટના તમામ સાથીઓ જેલમાંથી મુક્ત

ધીરેન બારોટ સહિત 7 આતંકીઓએ લંડન અને ન્યૂયોર્કમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડ્યું હતું

Tuesday 09th April 2024 11:44 EDT
 

લંડનઃ ન્યૂયોર્ક અને લંડનમાં વિસ્ફોટ કરીને સેંકડો લોકોની હત્યાનું કાવતરું કરનાર અલકાયદાના ડર્ટી બોમ્બર અને માસ્ટરમાઇન્ડ ધિરેન બારોટ સાથે દોષી ઠેરવાયેલા તમામ 6 આતંકવાદીઓને તેમની જેલની સજા હજુ અડધી પણ કપાઇ નથી ત્યાં મુક્ત કરી દેવાયાં છે. અલકાયદાના સ્લીપર સેલના આ તમામ આતંકવાદીઓએ બારોટના નેતૃત્વમાં આ કાવતરું ઘડ્યું હતું. 2007માં તેમને કુલ 136 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હવે આ અપરાધીઓ મુક્ત થઇ ગયાં છે.

આ કેસમાં ધીરેન બારોટ સહિત મોહમ્મદ નાવીદ ભટ્ટી, જુનેદ ફિરોઝ, ઝિયા ઉલ હક, નદીમ તારમોહમ્મદ, ઓમર અબ્દુર રહેમાન અને કૈસર શફીને દોષી ઠેરવીને જેલમાં ધકેલી દેવાયાં હતાં. ધીરેન બારોટ આ સ્લીપર સેલનો માસ્ટર માઇન્ડ હતો. બારોટે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ, આઇએમએફના હેડ ક્વાર્ટર, વર્લ્ડ બેન્ક સહિત અન્ય સ્થળોએ બોંબ વિસ્ફોટની યોજના બનાવી હોવાની કબૂલાત કરતાં તેને આજીવન કેદની સજા કરાઇ હતી. તેમણે લંડનમાં થેમ્સ નદીની નીચે આવેલી અંડર ગ્રાઉન્ડ ટનલ ઉડાવી દેવાની પણ યોજના બનાવી હતી જેથી સેંકડો પ્રવાસીઓ નદીમાં ડૂબી મરે.

પેરોલ બોર્ડે ધીરેન બારોટ સિવાયના તમામ અપરાધીઓને તેમની સજા પૂરી થાય તે પહેલાં જ મુક્ત કરી દીધાં છે. ધીરેન બારોટને 2037 પહેલાં પેરોલ મળવાના નથી. હાલ તે 52 વર્ષનો છે અને તેને હાઇ સિક્યુરિટી જેલમાં રખાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter