સ્વીટ્ઝરલેન્ડ, ફ્રાન્સ સહિત વિશ્વના કેટલાક દેશો મુસ્લિમ મહિલાઅોના બુરખા પહેરવા પર પાબંદી ફરમાવી રહ્યા છે ત્યારે અમેરિકા તરફથી આ વખતે અોલિમ્પિક રમતોત્સવમાં ઇબ્તીહાજ મુહમ્મદ નામની ફેન્સર હિજાબ એટલે કે પરંપરાગત બુરખો પહેરીને તલવારબાજીની રમત રમવા મેદાને ઉતરશે. હવે સૌ જાણે છે તેમ ફેશન ઇન્ડસ્ટ્રીઝ મુસ્લિમ મહિલાઅોને આકર્ષવા મુસ્લિમ મહિલાઅોને અનુકુળ હોય તેવા કપડાં ઇબ્તીયાઝ માટે તૈયાર કરશે અને તેનું મોટાપાયા પર વેચાણ કરીને આ તકનો પણ ઉપયોગ કરી લેશે.
જોકે આ રમતમાં તેઅો રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે હેલમેટ પહેરેલું હોવાથી તેમનો ચહેરો જોઇ શકાશે નહિં.
૦૦૦૦૦૦૦૦
બ્રિટનની લાક્ષણીકતા: સૌ સમાન સૌ સામાન્ય
ગ્રેટ બ્રિટન ખરેખર સાચા અર્થમાં ગ્રેટ છે. આ દેશમાં ભલભલા રાજવીઅો અને મંત્રીઅો આમ માણસની જેમ ફરે છે. તેનું તાજુ ઉદાહરણ છે લંડનની સેન્ટ્રલ લાઇન ટ્યુબમાં મુસાફરી કરતા યુનાઇટેડ આરબ એમિરાતના પ્રાઇમ મિનિસ્ટર ધ શેખ અને દુબાઇના આમીર શેખ મોહમ્મદ બીન રશીદ અલ મખ્તુમ (જમણે) અને તેમના પુત્ર હમદાન બીન મોહમ્મદ બીન રશીદ અલ મખ્તુમ (ડાબે) સૌની નજરે પડ્યા હતા.
તેમણે આ ગરમીથી બચવા પારંપરિક આરબ વસ્ત્રોની જગ્યાએ સામાન્ય લંડનર્સ જેવા વસ્ત્રો પહેર્યા હતા. તેમનો જેવો સ્વાંગ હતો તે જોતાં કદાચ તેમને કોઇએ અોળખ્યા નહિં હોય. તેઅો એટલા સામાન્ય દેખાતા હતા કે કોઇને ખબર પણ ન પડે કે આ બન્નેના બેન્ક એકાઉન્ટમાં અબજોની રકમ જમા પડી છે. પરંતુ હમદાને ટ્યુબમાં લીધેલી કેટલીક સેલ્ફી તસવીરો પોતાના ટ્વીટર અને અન્ય સોશ્યલ મિડીયા પર મૂકતા સમગ્ર વિશ્વને તેની જાણ થઇ હતી.
શેખ મોહમ્મદ બીન રશીદ અલ મખ્તુમ લંડન સહિત યુકેભરમાં ઘરથી માંડીને અોફીસોનો મોટો સમુહ ધરાવે છે. તેમણે ૨૦૦૭માં $૧૦ બિલિયન મોહમ્મદ બીન રશીદ અલ મખ્તુમ ફાઉન્ડેશનને દાનમાં આપ્યા હતા અને અત્યારે $૪ બિલિયનની રકમ તેમની પાસે જમા છે. તેઅો ટ્યુબમાં કેમ મસુાફરી કરતા હતા તે હજુ જાણી શકાયું નથી.
-00000
કેમરન છેલ્લી પાટલીએ બેઠા!!
ઉતર્યો અમલદાર કોડીનો એ કહેવત એમ જ નથી પડી. જી હા, એક સમયે જેની હાક ધાક આખા દેશમાં વાગતી હતી એવા ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન તાજેતરમાં પાર્લામેન્ટમાં અણુ હુમલો કરી શકે તેવી સુસજ્જ સબમરીન ટ્રાઇડન્ટ માટે ચર્ચા ચાલતી હતી ત્યારે પાર્લામેન્ટમાં છેક છેલ્લી પાટલીએ બેઠા હતા અને ધ્યાનથી સમગ્ર ચર્ચા સાંભળી હતી. જેરેમી કોર્બીને અણુસબમરીન અંગે સરકારના વલણને ટેકો આપ્યો હતો. બીજી તરફ લોખંડી મહિલા બનવા તરફ જઇ રહેલા વડા પ્રધાન થેરેસા મે'એ તો એમ પણ કહી દીધું હતું કે જરૂર પડે તેઅો કોઇ અન્ય દેશ પર અણુહુમલો કરવા હુકમ આપી શકે છે.


