લંડનઃ બ્રિટનનો સૌથી મોટો કચરાનો પહાડ લિંકનશાયરના ખાલી પડેલા એરફિલ્ડ પર આવેલો છે, જેને અવકાશસ્થિત ઉપગ્રહમાંથી પણ જોઈ શકાય છે. લિંકનશાયરમાં કાઉન્સિલોએ એરફિલ્ડમાં ૫૦,૦૦૦ ટન પ્લાસ્ટિક કચરો ઠાલવ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટનું રીસાઈકલિંગ કરવું તેમને એટલું મોંઘુ પડે છે કે તેમણે રીસાઈકલિંગ અને પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરવાનું બંધ કરી દીધું છે.
કાઉન્સિલોએ કચરાના એકત્રીકરણના ખર્ચ અને કચરાના પહાડોનો નિકાલ કરવા પ્લાસ્ટિક ઉત્પાદકો પાસેથી ચાર્જની માગણી કરી છે.
કચરાના આટલા મોટા પહાડના કારણે જીવજંતુનું પ્રમાણવધી ગયું છે અને મકાનોના ભાવ પણ ગગડી ગયા હોવાની ફરિયાદ નોર્થકિલિંગહોમના લોકોએ કરી છે. કેટલીક કાઉન્સિલોના કહેવા મુજબ ગત વર્ષની સરખામણીએ તેમની રીસાઈકલિંગ કોસ્ટ ૫૦૦,૦૦૦ પાઉન્ડ જેટલી વધી ગઈ છે.
ચીન દ્વારા વિશ્વભરમાંથી પ્લાસ્ટિકના કચરાની આયાત પર પ્રતિબંધ લગાવી દેવાતા કચરાના પહાડ સર્જાવાનું શરુ થયું છે. બીજી તરફ, ઘણા દેશો ચીનને અનુસરે તેવી શક્યતા છે. મલેશિયાએ પ્લાસ્ટિક ભંગારની આયાત પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે, જ્યારે વિયેટનામ પણ પ્રતિબંધની દિશામાં આગળ વધી રહેલ છે. પ્લાસ્ટિક વેસ્ટનો ભાવ પણ ઘટી ગયો છે. કેટલીક કાઉન્સિલોએ કચરાને બાળવાનો અથવા જમીનમાં પુરાણ તરીકે ઉપયોગનો પણ નિર્ણય લીધો છે.


