અવતારસિંહ ખાંડાને ઝેર અપાયાની શક્યતા નિષ્ણાતોએ નકારી કાઢી

આ બીમારી પોતે જ એટલી ઘાતકી છે કે દર્દીને ઝેર આપવાની જરૂર જ ન પડેઃ નિષ્ણાતો

Tuesday 09th April 2024 11:37 EDT
 

લંડનઃ બ્લડ કેન્સરના નિષ્ણાત એવા પાંચ બ્રિટિશ ડોક્ટર અને પ્રોફેસરોએ જણાવ્યું છે કે શિખ અલગતાવાદી નેતા અવતારસિંહ ખાંડાના 35 વર્ષે નિધન માટે જવાબદાર એક્યુટ મ્યેલોઇડ લ્યુકેમિયાની બીમારી ઘાતકી બની શકે છે પરંતુ ઝેર આપીને આ બીમારીને વધારી શકાય નહીં.

બર્મિંગહામમાં ક્વીન એલિઝાબેથ હોસ્પિટલના સેન્ટર ફોર ક્લિનિકલ હેમેટોલોજીના એકેડેમિક ડિરેક્ટર ચાર્લ્સ ક્રેડ્ડોકે જણાવ્યું હતું કે, અવતારસિંહ ખાંડા પીડાતો હતો તે કેન્સર પુખ્તોમાં જોવા મળતું સૌથી સામાન્ય બ્લડ કેન્સર અને તે સૌથી ઘાતકી કેન્સર પૈકીનું એક છે.

તેમણે જણાવ્યું હતું કે, આ બીમારીમાં ઝેર આપીને કશું હાંસલ કરી શકાતું નથી કારણ કે દર્દીનું મોત નિશ્ચિત હોય છે. આ રોગમાં દર્દીની હાલત થોડા દિવસ કે કલાકોમાં પણ બગડી શકે છે. ખાંડાની તબિયત પણ આ રીતે જ વણસી હતી અને બર્મિંગહામ સિટી હોસ્પિટલમાં 15 જૂન 2023ના રોજ તેનું નિધન થયું હતું.

અન્ય ચાર ડોક્ટર અને પ્રોફેસરોએ પણ અવતારસિંહ ખાંડાને ઝેર અપાયાની શક્યતાઓ નકારી કાઢતાં જણાવ્યું હતું કે, આ બીમારીને ઝેર આપીને ઘાતકી બનાવી શકાતી નથી. આ બીમારી પોતે જ અત્યંત ઘાતકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter