લંડનઃ ટેસ્કોના યુકે બિઝનેસના ચીફ એક્ઝિક્યુટિવ મેથ્યૂ બાર્ન્સ હોદ્દાનો ત્યાગ કરી રહ્યાં છે. હવે તેમનું સ્થાન ગ્રુપના ચીફ કોમર્શિયલ ઓફિસર અશ્વિન પ્રસાદ લેશે. ગ્રુપની પ્રોડક્ટ એન્ડ કસ્ટમર સ્ટ્રેટેજી માટે જવાબદાર એવા 49 વર્ષીય પ્રસાદ 30 જૂનથી આ હોદ્દો ગ્રહણ કરશે. પ્રસાદ ટેસ્કોની એક્ઝિક્યુટિવ ટીમ સાથે વર્ષ 2020થી સંકળાયેલા છે.
આ પહેલાં આલ્ડીના ચીફ એક્ઝિક્યુટિવ રહી ચૂકેલા બાર્ન્સ અન્ય તકો માટે હોદ્દાનો ત્યાગ કરી રહ્યાં છે. હવે પછી તેઓ ક્યાં કેવા પ્રકારનો હોદ્દો સંભાળશે તે હજુ જાણવા મળ્યું નથી.
ગ્રુપના એક્ઝિક્યુટિવ કેન મરફીએ ગ્રાહકોની સેવા માટે બાર્ન્સનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બાર્ન્સના નેતૃત્વમાં ટેસ્કો વધુ મજબૂત બન્યું છે. ટેસ્કો યુકેના ગ્રોસરી માર્કેટમાં 27.9 ટકાનો હિસ્સો ધરાવે છે.