લંડનઃ ટોરી પાર્ટીની આર્થિક નીતિના કારણે ઓછી આવક ધરાવતી અશ્વેત અને એશિયન મહિલાને ૨૦૨૦ સુધીમાં અન્ય કોઈ જૂથોની સરખામણીએ વધુ નાણા ગુમાવવા પડશે તેમ વિમેન્સ બજેટ ગ્રૂપ અને રનીમીડ ટ્રસ્ટના નવા સંશોધનમાં સ્પષ્ટ કરાયું છે.
આવક, લિંગ અને વંશીયતાના મુદ્દાઓ પર સરકારની નીતિઓથી ૨૦૧૦-૨૦૨૦ના ગાળામાં શું અસર સર્જાશે તેના વિશ્લેષણમાં જણાવાયું છે કે સરકારના ટેક્સ અને બેનિફિટ્સ ફેરફારોથી ગરીબ પરિવારોની વ્યક્તિને સૌથી વધુ ગુમાવવાનું આવશે અને ઓછી આવક ધરાવતા શ્વેત પુરુષોની સરખામણીએ ઓછી આવક સાથેની અશ્વેત અને એશિયન મહિલાને આશરે બમણું નુકસાન સહન કરવાનું થશે.
લેબર પાર્ટીના ડાઈવર્સ કોમ્યુનિટીઝ માટેના શેડો મિનિસ્ટર અને સાંસદ ડોન બટલરે આ રિપોર્ટ સંદર્ભે જણાવ્યું હતું કે,‘આપણે તો ઘણા વર્ષોથી જાણીએ છીએ કે વિવિધ કોમ્યુનિટીઝની મહિલાઓ સરકારના ખામીપૂર્ણ કરકસરના એજન્ડાથી ભારે નુકસાન સહન કરે છે. વિમેન્સ બજેટ ગ્રૂપ અને રનીમીડ ટ્રસ્ટના સંશોધને સાબિત કર્યું છે કે સરકારની નીતિઓના લીધે ઓછી આવક ધરાવતી અશ્વેત અને એશિયન મહિલાઓ વધુ પ્રમાણમાં નાણા ગુમાવે છે. સમાનતાની અસરનું આ મૂલ્યાંકન આ સરકારને આરોપીના પાંજરામાં મૂકે છે. વડા પ્રધાને નંબર ૧૦ ખાતેથી કહ્યું હતું તેમ જો તમે ગરીબ જન્મ્યા હશો તો સરેરાશ નવ વર્ષ વહેલા મોતનો શિકાર બનશો. ઓટમ સ્ટેટમેન્ટ અશ્વેત અને એશિયન પરિવારોનું જીવન સુધારવા કશું નહિ કરે અને તેમને વધુ ગરીબ બનાવશે’

