લંડનઃ મેટ્રોપોલિટન વડા ક્રેસિડા ડિકે સ્વીકાર્યું છે કે જ્યોર્જ ફ્લોઈડ અને સારાહ એવરાર્ડની હત્યાઓના પગલે ગત વર્ષે અશ્વેત મહિલાઓ અને અન્ય માર્જિનલાઈઝ્ડ કોમ્યુનિટીઓનો પોલિસિંગમાં વિશ્વાસ ખરાબ રીતે ઘટી ગયો છે. શ્વેત મહિલાઓની સરખામણીએ અશ્વેત મહિલાઓનો પોલિસિંગમાં વિશ્વાસ ૬ ટકા ઓછો રહ્યો છે.
લંડનમાં પોલીસ એન્ડ ક્રાઈમ કમિટી સમક્ષ બોલતાં મેટ કમિશનર ક્રેસિડા ડિકે જણાવ્યું હતું કે અશ્વેત મહિલાઓ અને અન્ય માર્જિનલાઈઝ્ડ કોમ્યુનિટીઓનાં પોલિસિંગમાં અવિશ્વાસના સંદર્ભે આપણે હવે મુશ્કેલ ટેકરી ચડવાની છે. પોલીસમાં વિશ્વાસ ધરાવતી ૭૭ ટકા શ્વેત મહિલાઓની સરખામણીએ ૭૧ ટકા અશ્વેત મહિલાઓ પોલીસમાં વિશ્વાસ ધરાવે છે.
સેવારત પોલીસ ઓફિસર વાયને કુઝેન્સ દ્વારા સારાહ એવરાર્ડના અપહરણ, બળાત્કાર અને હત્યાની ઘટનાએ મહિલાઓમાં પોલીસ પ્રત્યે અવિશ્વાસ વધારી દીધો છે. મેટ વડાએ સારાહની હત્યાને સમગ્ર દેશમાં આઘાતજનક અને કરપીણ ગણાવતાં કહ્યું હતું કે મારાં સહિત મેટના મારાં સાથીઓ પણ જે થયું તેનાથી છેતરાયાંની લાગણી અનુભવી હતી. ગયા વર્ષે અમેરિકન પોલીસ અધિકારીઓ દ્વારા નિઃશસ્ત્ર અશ્વેત પુરુષ જ્યોર્જ ફ્લોઈડની હત્યાએ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી હતી. યુકેના વિવિધ સ્થળો સહિત સમગ્ર વિશ્વમાં પોલીસની જંગાલિયાત અને રેસિઝમ મુદ્દે દેખાવો થયા હતા.
મિસ ડિકે કહ્યું હતું કે કેટલીક રંગવર્ણી અને અશ્વેત મહિલાઓએ સામનો કરવો પડે તેવા કેટલાક મુદ્દાઓ અલગ હોઈ શકે અને તેઓ પોલીસનો સંપર્ક કરવા બાબતે ઓછાં ચોક્કસ હોય તે માટેના પણ કારણો હોઈ શકે છે. આ મહિલાઓ પોલીસનો ઓછો વિશ્વાસ અને સંપર્ક કરે તેના અનેક કારણોમાં સાંસ્કૃતિક નિયંત્રણોની ચિંતા, પુરુષ હુમલાખોરો સામે અધિકારીઓની સખત કાર્યવાહી તેમજ કેટલાક કિસ્સામાં ઈમિગ્રેશન દરજ્જાની પૂછપરછનો સમાવેશ થતો હોવાનું પણ મેટ કમિશનરે જણાવ્યું હતું.


