લંડનઃ શ્વેત લોકોની સરખામણીએ અશ્વેત અને વંશીય લઘુમતી (BME) લોકોને મેનેજર તથા અન્ય સીનિયર હોદ્દા સુધી પહોંચવામાં શેના લીધે વધારે મુશ્કેલી પડે છે તેનો અભ્યાસ મિટી ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ બેરોનેસ રુબી મેકગ્રેગર સ્મિથે હાથ ધર્યો છે. તેમણે આ મુદ્દે તમામ લોકોને પોતાના મંતવ્યો તેમને જણાવવા અનુરોધ કર્યો છે. તેમને અભિપ્રાય સુપ્રત કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓગસ્ટ ૨૦૧૬ છે.
લેબર માર્કેટમાં નિમણુકથી લઈને એક્ઝિક્યુટિવના હોદ્દા સુધી પહોંચવામાં આડે આવતા અવરોધોને સમજવામાં રુબી મેકગ્રેગરને મદદરૂપ થવા માટે સમગ્ર ગ્રેટ બ્રિટનની તમામ BME કોમ્યુનિટીના લોકોને ધ્યાનમાં રાખીને પૂરાવા એકત્ર કરવાનું આ અભિયાન ચાલુ વર્ષની શરૂઆતથી હાથ ધરાયું છે.
FTSE 250 કંપનીઓમાં પ્રથમ એશિયન મહિલા CEO તરીકે જાણીતાં બેરોનેસ સ્મિથ સમાવેશી નીતિમાં માને છે. તેઓ પોતાને ક્યારેય રોલ મોડલ ગણાવતાં નથી. તેમને વિશિષ્ટ લોકોની ગાથામાં રસ છે. તેઓ લેબર માર્કેટમાં વિવિધ કોમ્યુનિટીના લોકોને નડતાં અવરોધો, તેની અર્થતંત્ર અને કર્મચારીઓ પર થતી અસર વિશેના તારણો સ્વતંત્ર સમીક્ષામાં રજૂ કરશે. તેઓ સૌ પ્રથમ વખત આ સમસ્યાનો વ્યાપ દર્શાવતી માહિતી એકત્ર કરશે.
આ સમીક્ષામાં માલિકો BME લોકોની ક્ષમતાનો સંપૂર્ણપણે ઉપયોગ કેવી રીતે કરી શકે તે માટે સરકાર તેમજ બિઝનેસગૃહો માટે ભલામણોનાં સમાવેશ સાથે જાહેર અને ખાનગી ક્ષેત્રમાં અપનાવવાની કાર્યપ્રણાલીને પણ આવરી લેવાશે.
બેરોનેસ સ્મિથને આપના અભિપ્રાયની પ્રતીક્ષા છે. આપ આપનું મંતવ્ય ૨૨ ઓગસ્ટ ૨૦૧૬ સુધીમાં https:// beisgovuk.citizenspace.com/lm/baroness-mcgregor-smith-review/consultation/ intro/view વેબસાઈટ પર જણાવી શકો છો.


