અશ્વેત - સાઉથ એશિયન મહિલાને પ્રથમ નોકરી મેળવવામાં વિલંબ

Wednesday 29th June 2022 02:55 EDT
 

લંડનઃ યુકેમાં અશ્વેત અને સાઉથ એશિયન મહિલાને અભ્યાસ પછી પ્રથમ નોકરી મેળવવામાં તેમના શ્વેત સમકક્ષની સરખામણીએ સરેરાશ બે મહિના જેટલો વિલંબ લાગે છે. ટોટલીજોબ્સ અને ધ ડાઈવર્સિટી ટ્રસ્ટ દ્વારા નવા સંશોધન અનુસાર અશ્વેત મહિલાને શિક્ષણ મેળવ્યા પછી પહેલી નોકરી મેળવવામાં 5.1 મહિનાનો જ્યારે સાઉથ એશિયન મહિલાને 4.9 મહિનાનો સમય લાગી જાય છે. આમની સરખામણીએ શ્વેત પુરુષ અને શ્વેત મહિલાને પ્રથમ નોકરી મેળવતા અનુક્રમે 3.4 અને 2.8 મહિનાનો સમય લાગે છે. નોકરી મળવા પછી પણ તેમણે કોડ-સ્વિચિંગ અને ભેદભાવ સહિતના દબાણોનો સામને કરવો પડે છે.

Totaljobs and The Diversity Trust દ્વારા યુકેમાં અશ્વેત અને સાઉથ એશિયન મહિલાઓની કારકિર્દીની યાત્રાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અભ્યાસના તારણો સ્પષ્ટ કરે છે કે અશ્વેત અને સાઉથ એશિયન મહિલાને પસંદગીનીા કારકિર્દીમાં સફળ થવા સંસ્થાગત અને માળખાગત અવરોધોનો સામનો કરવો પડે છે. આમ છતાં, અભ્યાસ પછી નોકરી મળી જવા મુદ્દે આ મહિલાઓમાં આત્મવિશ્વાસ અને આશાવાદનું પ્રમાણ ઊંચું હોય છે.

અભ્યાસ પછી કામના વિશ્વમાં પદાર્પણ કરતા પહેલા 66 ટકા અશ્વેત અને 62 ટકા સાઉથ એશિયન મહિલા માને છે કે તેઓ તેમની ભાવિ કારકિર્દીમાં કશું પણ હાંસલ કરી શકશે. આની સરખામણીએ આવી માન્યતા કે વિશ્વાસ ધરાવતા શ્વેત પુરુષ અને શ્વેત મહિલાની સંખ્યા અનુક્રમે 46 ટકા અને 38 ટકા રહે છે.

જોકે, અશ્વેત અને સાઉથ એશિયન મહિલાઓ તેમની કારકિર્દીમાં આગળ વધે છે તે ગાળામાં તેમણે દાબાણો અને ભેદભાવોનો સામનો કરવો પડે છે તેના વિશે પણ રિપોર્ટ સ્પષ્ટ કરે છે. 70 ટકા અશ્વેત અને 63 ટકા સાઉથ એશિયન મહિલાએ તેમની કારકિર્દીમાં કોડ-સ્વિચિંગ એટલે કે તેમની ભાષા, દેખાવ, અવાજનો સ્વર, નામ અને મેનરિઝમ્સ-હાવભાવ બદલવા પડે તેવી જરૂરિયાત જણાય છે. લગભગ 29 ટકા અશ્વેત અને સાઉથ એશિયન મહિલાઓ તેમની સાથે ભેદભાવની ઘટનાઓને જાહેર કરતી નથી કારણકે આમ કરવાનું તેમને સહેલું લાગતું નથી, 13 ટકાને તેમની સામે શિક્ષાત્મક પગલાંનો ડર લાગે છે જ્યારે 25 ટકાને વિશ્વાસનો અભાવ નડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter