અસંખ્ય ઈંગ્લિશ કાઉન્સિલો નાદાર થઈ શકે

બ્રિટન – સંક્ષિપ્ત સમાચાર

Tuesday 01st April 2025 17:37 EDT
 
 

લંડનઃ લગભગ 20 ઈંગ્લિશ કાઉન્સિલો ‘સેન્ડ’ કોસ્ટના પરિણામે નાદાર થઈ શકે છે. 5.2 બિલિયન પાઉન્ડની ખાધ હિસાબી સમસ્યાના કારણે સાત વર્ષથી બાજુએ મૂકાતી આવી છે. આ ખાધ 31 માર્ચ 2026ના દિવસે ફરી હિસાબી સમસ્યા ઉભી કરશે. ઈંગ્લેન્ડની સ્પેશિયલ એજ્યુકેશનલ નીડ્સ એન્ડ ડિસેબિલિટી (Send)ના વધતા જતા જંગી ખર્ચાની કટોકટી હળવી થવાનું નામ લેતી નથી. કાઉન્સિલો આગામી વર્ષ દરમિયાન સેન્ડ સર્વિસીસ પાછળ 2 બિલિયન પાઉન્ડ વધુ ખર્ચ કરી નાખશે અને તેમની એકત્રિત ખાધ 5.2 બિલિયન પાઉન્ડની થશે.

સાત વર્ષથી બાજુએ રખાતી ખાધ ફરી હિસાબી ચોપડાઓમાં દેખા દેશે અને કાઉન્સિલો સામે નાદારીનું જોખમ ઉભું કરશે. સરકારે સેન્ડ સર્વિસીસમાં વધુ 1 બિલિયન પાઉન્ડ ફાળવ્યા છે અને મેઈનસ્ટ્રીમ સ્કૂલોમાં વધુ 10,000 સ્પેશિયાલિસ્ટ બેઠકો તૈયાર કરવાની યોજના કરી છે.

• રેડિયો ફ્રી એશિયા એપ્રિલના અંતે બંધ થશે

વોશિંગ્ટનઃ જો કોર્ટ્સ ટ્રમ્પ વહીવટીતંત્રને તેના ભંડોળમાં કાપ મૂકતા નહિ અટકાવે તો એપ્રિલના અંત સુધીમાં કામગીરી બંધ કરી દેવાની જાહેરાત રેડિયો ફ્રી એશિયા (RFA) દ્વારા કરવામાં આવી છે. કામગીરી યથાવત જાળવી રાખવા એજન્સીએ વહીવટીતંત્ર સામે કાનૂની કાર્યવાહી આદરી સરકાર તેના ભંડોળમાં કાપ ન મૂકે અને કોંગ્રેસ દ્વારા મંજૂર કરાયેલું ભંડોળ તેને મળતું રહે તેવી પિટિશન કોર્ટમાં કરાઈ છે. 1996થી એશિયામાં બ્રોડકાસ્ટ કરવા સાથે દર સપ્તાહે 60 મિલિયનથી વધુ લોકો સમક્ષ પહોંચતી એજન્સી RFAએ જણાવ્યું હતું કે તેણે યુએસસ્થિત 75 ટકા સ્ટાફને ફર્લો પર મૂક્યા છે અને 90 ટકાથી વધુ ફ્રીલાન્સ જર્નાલિસ્ટ્સને સસ્પેન્ડ કર્યા છે.

• ડ્રાઈવિંગ ટેસ્ટમાં રાહ જોવાના સમયનો વિક્રમ

લંડનઃ બ્રિટનમાં ડ્રાઈવિંગ ટેસ્ટ બૂક કરાવવા માટે રાહ જોવાનો સમય ફેબ્રુઆરીમાં 20 સપ્તાહનો જણાયો હતો જે ગયા વર્ષે 14 સપ્તાહનો હતો. ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટે બેકલોગ દૂર કરવા કેમ્પેઈન શરૂ કર્યું છે જેમાં નવા 450 ડ્રાઈવિંગ એક્ઝામીનર્સની ભરતી કરીને તાલીમ અપાશે. બૂક કરાયેલા ટેસ્ટ સ્લોટમાં કોઈ ફેરફાર કરાવવાનો નોટિસ પીરિયડ કામકાજના ત્રણ દિવસથી વધારી 8 એપ્રિલથી 10 દિવસનો કરવામાં આવનાર છે. DVSA આ વર્ષના અંત સુધીમાં સાત સપ્તાહ કે તેથી ઓછો સમય રાહ જોવી પડે તેવું લક્ષ્ય ધરાવે છે પરંતુ, ફેબ્રુઆરી સુધીમાં માત્ર 14 સેન્ટર પર તે શક્ય બન્યું છે. 24 સપ્તાહના વેઈટિંગ ટાઈમ સાથેના ટેસ્ટ સેન્ટર્સની સંખ્યા 12 મહિનાના ગાળામાં 94થી વધીને 183એ પહોંચી છે.

• જેલોના વિસ્તરણનો લેબર પ્લાન મુશ્કેલીમાં

લંડનઃ સરકારી ખર્ચામાં કાપના પરિણામે જેલોની ક્ષમતા વધારવાની અને હાઈ સ્ટ્રીટ અપરાધો પર કાબુ મેળવવાની લેબરની યોજના ખોરંભે પડી જશે. ચાન્સેલર રીવ્ઝે જસ્ટિસ મિનિસ્ટ્રીને ખર્ચામાં 11.2 ટકા સુધીનો કાપ મૂકવાં જણાવ્યું છે. જોકે, અગાઉના વાસ્તવિક ખર્ચકાપથી ડિપાર્ટમેન્ટની હાલત એટલી ખરાબ છે કે હવે વધુ ખર્ચકાપ થઈ શકે તેમ નથી. બીજી તરફ, લોર્ડ ચાન્સેલર શબાના મહમૂદે નવી 14,000 પ્રિઝન જગ્યા ઉભી કરવાની ખાતરી આપેલી છે તેમજ જેલોની ક્ષમતા કટોકટી હળવી બનાવવા સેન્ટન્સિંગ રિવ્યૂ અને પ્રોબેશન સુધારા જેવા પગલાં પણ લેવાનાર છે. જેલોની ક્ષમતા 99 ટકા ભરાયેલી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હાલ 87,684 લોકો જેલોમાં છે.

• યુકેની મ્યાંમાર ભૂકંપ પછી જીવનરક્ષક સહાય

લંડનઃ મ્યાંમારમાં 1000થી વધુ લોકોનો જાન લેનારા વિનાશક ધરતીકંપના પગલે યુકેએ 10 મિલિયન પાઉન્ડની જીવનરક્ષક સહાય મોકલી આપી છે જેમાં ખોરાક અને પાણીનો પૂરવઠો, દવાઓ અને આશ્રયનો સમાવેશ થાય છે. મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ડેવલપમેન્ટ બેરોનેસ જેનિફર ચેપમેને કહ્યું હતું કે યુકે ભંડોળ સાથેના સ્થાનિક પાર્ટનર્સ માનવતાવાદી પ્રતિભાવ આપી જ રહ્યા છે અને 10 મિલિયન પાઉન્ડનું સહાયપેકેજ તેમના પ્રયાસોને પ્રોત્સાહન આપશે.

• યુકેમાં ગેરકાયદે માઈગ્રેશન સમિટમાં 40 દેશ જોડાયા

લંડનઃ ગેરકાયદે માઈગ્રેશન સમસ્યા હલ કરવા લંડનમાં આયોજિત બે દિવસના સમિટમાં યુએસ, ચીન, ફ્રાન્સ સહિત 40 દેશના પ્રતિનિધિઓ જોડાયા છે. આ પ્રકારની આંતરરાષ્ટ્રીય મંત્રણાઓ પ્રથમ છે ત્યારે યુકે સરકારને નક્કર પરિણામો મળવાની આશા છે. સમિટને સંબોધતા પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ગેરકાયદે ઈમિગ્રેશનના કારણે સામાન્ય કામકાજી લોકોએ જ કિંમત ચૂકવવી પડે છે. સામાન્ય ચૂંટણી પછી 24000 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરાયાનો દાવો તેમણે કર્યો હતો. આ સમિટ પહેલા જ હોમ ઓફિસે લોકોની સ્મગલિંગ નેટવર્ક્સને ખોરવવા અને પ્રોસિક્યુશન્સને વેગ આપવા 33 મિલિયન પાઉન્ડ ખર્ચવાની જાહેરાત કરી હતી.

• ગેરકાયદે લોકોના પારિવારિક જીવન અધિકારની સમીક્ષા

લંડનઃ હોમ સેક્રેટરી ઈવેટ કૂપરે યુકેમાં ગેરકાયદે પ્રવેશતા લોકો માટે પારિવારિક જીવનના અધિકારોની સમીક્ષા હાથ ધરી છે. લોકોને દેશમાં રહેવાની છૂટ આપવાની દલીલો કરાય છે તેવા માનવ અધિકારોના કાયદાના ઉપયોગને સરકાર ચકાસી રહી છે. હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે પારિવારિક જીવનના અધિકારની રક્ષા કરતા અને યુકેમાં વસવાના અધિકાર માટે દલીલો કરાય છે તેવા હ્યુમન રાઈટ્સ એક્ટના આર્ટિકલ 8ના અમલને તેઓ ચકાસી રહ્યાં છે. નાની બોટ્સમાં ચેનલ પાર કરીને પ્રવેશતા લોકોની વિક્રમી સંખ્યા ઘટાડવા કૂપર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં આ સમીક્ષા પણ એક છે. સાચા અને યોગ્ય વિઝા સ્ટેટસ વિના જ લોકોને નોકરી પર રાખતા ટેઈકઅવેઝ અને બાર્બર શોપ્સ જેવા એમ્પ્લોયર્સ પર ત્રાટકવાની જાહેરાત પણ કૂપરે કરી હતી.

• કૌભાંડીઓ સામે કઠોર થવા યુકે પોલીસને અનુરોધ

લંડનઃ કૌભાંડવિરોધી કેમ્પેઈન ગ્રૂપોએ છેતરપીંડી કરનારા કૌભાંડીઓ સામે સખત થવાનો યુકે પોલીસ દળોને અનુરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે પેનલ્ટીમુક્ત અપરાધમાં કૌભાંડીઓ વિક્ટિમ્સ પાસેથી મિલિયન્સ પાઉન્ડ ખૂંચવી લે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર ઠગાઈનો દર 19 ટકા વધ્યો છે ત્યારે યુકે સરકારે નવી રણનુીતિ જાહેર કરી છે. ગત મહિને 35 મિલિયન ડોલર (27 મિલિયન પાઉન્ડ)ના કૌભાંડી કોલ સેન્ટર ઓપરેશનનો ડેટા મોટા પાયે લીક થયા પછી નવું ઈનિશિયેટિવ આવ્યું છે. જ્યોર્જિયન સ્કેમ ઓપરેશનમાં મુખ્યત્વે બ્રિટનમાં રહેતા લોકોને નિશાન બનાવાયા હતા. વિશ્વભરમાં 2000 લોકો આ કૌભાંડનો શિકાર બન્યા હતા તેમાંથી 652 બ્રિટનના હતા અને દરેકે 10,000 પાઉન્ડથી વધુ રકમ ગુમાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter