લંડનઃ તાજેતરમાં ૬.૮ બિલિયન પાઉન્ડમાં અસડા સુપર માર્કેટને ખરીદી લેનારા ઈસા બંધુઓ મોહસીન અને ઝુબેર મૂળ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના મનુબર ગામના વતની છે. ‘૬૦ના દાયકામાં તેમના પિતા વલીભાઈ ઈસા ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે યુકે આવ્યા હતા. ઝુબેર અને મોહસીનનો જન્મ લેન્કેશાયરમાં એક ટેરેસ હાઉસમાં થયો હતો. ગયા વર્ષે તેમણે લંડનના નાઈટ્સબ્રીજમાં ૨૫ મિલિયન પાઉન્ડનું મેન્શન ખરીદ્યું હતું.
ઈસા બ્રધર્સનું ઈજી (યુરો ગેરેજીસ) ગ્રૂપ સૌથી મોટું સ્વતંત્ર પેટ્રોલ સ્ટેશન ઓપરેટર છે અને તે અંદાજે ૨૫,૦૦૦ લોકોને રોજગારી પૂરી પાડે છે. બરીમાં તેમણે પ્રથમ ફોરકોર્ટ ખોલ્યો હતો. અસ્ડાની ખરીદી બાદ ઈસા બ્રધર્સની નેટવર્થમાં થનારો વધારો અન્યોને પણ મદદ કરશે. ઈસા બંધુઓ ઈસ્લામ ધર્મના નિયમ મુજબ કમાણીની ૨.૫ ટકા રકમનું દાન કરે છે. તેમનું ઈસા ફાઉન્ડેશન સ્થાનિક હોસ્પિટલોને મદદ કરે છે અને બ્લેકબર્ન તથા તેની આસપાસની સ્કૂલોના બાળકોને મફત નાસ્તો પૂરો પાડે છે. તેમણે ગુજરાતમાં પણ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટી રકમનું દાન આપ્યું છે.
અગાઉ આ વર્ષે ઝુબેરે જણાવ્યું હતું કે લોકોને ગરીબીમાંથી મુક્તિ અપાવવાનો એકમાત્ર રસ્તો શિક્ષણ છે. તેમના માતાપિતા કશું પણ લીધા વિના યુકે આવ્યા હતા. તેમણે ઉમેર્યું,‘ યુકેએ અમને અને અમારા વ્યવસાયને શ્રેષ્ઠ બનાવવાની એક ઉત્તમ તક પૂરી પાડી હોવાથી આભાર કહેવાની આ અમારી રીત છે.