ગ્લાસગોઃ ફેસબૂક પર ‘હેપી ઈસ્ટર’નો સંદેશો મૂક્યા પછી ૨૪ માર્ચે જીવલેણ હુમલાનો શિકાર બનેલા મુસ્લિમ દુકાનદાર અસાદ શાહની હત્યાના આરોપ સંદર્ભે યોર્કશાયરના બ્રેડફર્ડનો ૩૨ વર્ષીય તનવીર અહમદ કોર્ટમાં હાજર થયો હતો, જેને કસ્ટડીમાં સોંપાયો હતો. અસાદ શાહ પર ચાકુના ૩૦ ઘા મરાયા હતા. પોલીસે આ ઘટનાને ધાર્મિક અસહિષ્ણુતા તરીકે ગણાવી છે. દરમિયાન, અસાદ શાહના મૃત્યુ પછી ઈસ્લામિક કોમ્યુનિટીમાં એકતાની હાકલ કરનારા વકીલ આમેર અનવરને મોતની ધમકીઓ પણ અપાઈ છે.
બીબીસીના રિપોર્ટ અનુસાર શાદ શાહની અંતિમવિધિ શહેરના યોર્કહિલ એરિયાની અહમદિયા મુસ્લિમ મસ્જિદ ખાતે યોજાઈ હતી. અંતિમવિધિમાં પરિવારજનો તથા બહોળી સંખ્યામાં મિત્રો અને રાજકારણીઓ હાજર રહ્યા હતા. મસ્જિદના ખંડની દીવાલ પર ‘તમામ માટે પ્રેમ, કોઈની ઘૃણા નહિ’નો સંદેશો લખાયેલો હતો. સ્કોટલેન્ડમાં અહમદિયા કોમ્યુનિટીના પ્રમુખ અબ્દુલ આબિદ અને અહમદિયા યુકેના ઉપપ્રમુખ મનસુર શાહે મૃતક અસાદ શાહની હત્યા બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું. શાહનો જન્મ પાકિસ્તાનના રાબવાહમાં થયો હતો અને પ્તાના બિઝનેસમાં સામેલ થલા તે ૧૯૯૮માં ગ્લાસગો આવ્યા હતા.
ધ ટાઈમ્સના અહેવાલ મુજબ, પોતાને ‘Anti Qadianiat’ ગણાવતા એક સાંપ્રદાયિક જૂથે શાહની હત્યાની ઉજવણી કરી હતી. આ ગ્રૂપે ફેસબૂક પર શાહના મોતના અખબારી રિપોર્ટ પોસ્ટ કર્યા પછી ‘કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ મુસ્લિમ્સ’ સંદેશો મૂક્યો હતો. આ જૂથ ૧૩,૦૦૦ સભ્ય ધરાવે છે.


