ગ્લાસગોઃ લોકપ્રિય શોપકીપર અસાદ શાહની હત્યાનો ગુનો ૩૨ વર્ષીય ટેક્સી ડ્રાઈવર તનવીર અહમદે હાઈ કોર્ટ ઓફ ગ્લાસગો સમક્ષ કબૂલ કર્યો છે. યોર્કશાયરના બ્રેડફર્ડના અહમદે કહ્યું હતું કે શાહે ઈસ્લામ ધર્મની ગૌરવહાનિ કરી હતી. તેણે ૨૪ માર્ચે અસાદ શાહની દુકાનની બહાર જ જીવલેણ હુમલો કર્યો હતો. કોર્ટ નવ ઓગસ્ટે તનવીર અહમદને સજાની જાહેરાત કરશે.
અસાદ શાહે પોતાના ગ્રાહકોને ફેસબૂક પર સંદેશો મૂકી ગુડ ફ્રાઈડે અને પ્રિય દેશ માટે હેપી ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સંદેશાના ગણતરીના કલાકોમાં જ તેમની હત્યા થઈ હતી. શાહ શાંતિપ્રિય અહમદિયા મુસ્લિમ કોમ્યુનિટીના સભ્ય હતા, જ્યારે અહમદ સુન્ની મુસ્લિમ છે. અહમદ ૨૪ માર્ચે બ્રેડફર્ડથી ટેક્સી હંકારી ગ્લાસગો પહોંચ્યો હતો અને ચાકુથી હુમલો કરતા પહેલા શાહ સાથે દલીલબાજીમાં પણ ઉતર્યો હતો. તેણે શાહના ઓનલાઈન ફૂટેજ જોયા હતા અને કશુંક કરવું જ પડશે તેવી કોમેન્ટ પણ કરી હતી. તેણે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે આ હત્યા મેં ન કરી હોત તો બીજાએ કરી હોત. શાહ પોતાને પયગમ્બર માનતો હતો.
મૂળ રાબવાહ, પાકિસ્તાનના શાહ હિંસાથી કંટાળી ૧૯૯૮માં સ્કોટલેન્ડ રહેતા પરિવાર સાથે જોડાવા આવ્યા હતા અને તેમને એસાઈલમ અપાયું હતું. મુખ્ય પ્રવાહના મુસ્લિમો કરતા અહેમદિયા મુસ્લિમોની વિચારધારા અલગ છે. શાહે પોતાની આધ્યાત્મિક માન્યતાઓ વિશે સંખ્યાબંધ વિડિયો યુ-ટ્યૂબ પર અપલોડ કરી હતી.


