લંડનઃ વિકીલીક્સના સ્થાપક જુલિયન અસાંજેનું અમેરિકાને પ્રત્યર્પણ કરવાની અરજી બ્રિટિશ કોર્ટે નકારી છે. વિકીલીક્સ વેબસાઇટ પર ઇરાક યુદ્ધથી સંબંધિત ચાર લાખ દસ્તાવેજો જાહેર કરાયાના પગલે અસાન્જે અમેરિકા માટે વોન્ટેડ છે. ન્યાયાધીશ વેનેસા બેરેટ્સરે જણાવ્યું હતું કે, અસાન્જેને અમેરિકાને ન સોંપવો જોઈએ. આવું કરવું દમનકારી હશે. અગાઉ, અસાન્જેને સ્વીડનમાં બળાત્કારના એક કેસમાં પણ રાહત મળી ચૂકી છે.
અસાન્જે અમેરિકી સૈન્યને લગતા ગુપ્ત દસ્તાવેજો લીક કરવા અને જાસૂસી કરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે. અમેરિકા બ્રિટન પાસેથી તેના પ્રત્યર્પણની માંગ કરી રહ્યું છે. કોમ્પ્યુટર પ્રોગ્રામર અને હેકર અસાન્જે વિકીલીક્સની વેબસાઇટ પર ઇરાક યુદ્ધથી સંબંધિત ચાર લાખ દસ્તાવેજોને જાહેર કરી અમેરિકા, ઇંગ્લેન્ડ અને નાટોની સેનાઓ સામે યુદ્ધ ગુનાનો આરોપ લગાવ્યો હતો. તેની સામે યુએસ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દરમિયાન, રશિયન ગુપ્તચર એજન્સીઓએ હિલેરી ક્લિન્ટનના અભિયાન સાથે જોડાયેલા ઇમેઇલ્સ હેક કરીને વિકિલીક્સને આપ્યાનો આરોપ પણ છે.
અગાઉ, બે સ્વીડિશ મહિલાઓ દ્વારા બળાત્કારનો આરોપ લગાવાયાથી સ્વીડનની અપીલ પર અસાન્જેની લંડનમાં ૨૦૧૦માં ધરપકડ કરાઈ હતી. સ્વીડન મોકલાવાથી બચવા અસાંજેએ ૨૦૧૨માં લંડનસ્થિત ઇક્વેડોર દૂતાવાસમાં આશરો લીધો હતો. આ પછી, ઇક્વેડોર સરકારે આંતરરાષ્ટ્રીય સમજૂતીનું સતત ઉલ્લંઘન કરાયાનું કારણ આગળ ધરી તેને શરણનો ઇનકાર કર્યો હતો. અસાન્જે ૨૦૧૯માં ઈક્વેડોર એમ્બેસીમાંથી બહાર આવતા બ્રિટિશ પોલીસે તેની ધરપકડ કરી હતી, સ્વીડને નવેમ્બર ૨૦૧૯માં બળાત્કારનો આરોપ પરત લેવાં છતાં અસાન્જેને જેલમાં જ રહેવું પડ્યું હતું.