લંડનઃ સધર્ક ક્રાઉન કોર્ટે જામીનની શરતોનો ભંગ કરવા બદલ વિકીલિક્સના સ્થાપક જુલિયન અસાન્જેને ૫૦ સપ્તાહની સજા ફરમાવી હતી. અસાન્જેએ બીનશરતી માફી માગી હતી પરંતુ, જજ ડેબોરાહ ટેલરે તે સ્વીકારી ન હતી. સજા પછી તેમને બેલમાર્શ પ્રિઝનમાં લઈ જવાયા હતા. બ્રિટિશ પોલીસે ગત સાત વર્ષથી લંડનસ્થિત ઈક્વેડોર દૂતાવાસમાં આશરો લઈ રહેલા અસાન્જેની ૧૧ એપ્રિલે ધરપકડ કરી હતી.
સધર્ક ક્રાઉન કોર્ટે અસાન્જેને જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરવાનો ઈનકાર ન્યાયથી ભાગવાનો ઈરાદો સ્પષ્ટ કરે છે. તે સાત વર્ષ દૂતાવાસમાં રહ્યો ત્યારે તેના પર નજર રાખવા પોલીસે કરદાતાના ૧૬ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન મૂળના અસાન્જે પર સ્વીડનમાં મૂકાયેલા જાતીય સતામણીના પગલે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ૨૦૧૨ની ૨૯ જૂને ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું. કોર્ટે અસાન્જેને આત્મસમર્પણ કરવા જણાવ્યું હતું પરંતુ, તેમણે ધરપકડથી બચવા ઈક્વેડોર દૂતાવાસમાં આશ્રય લીધો હતો. આ કેસમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે અસાન્જેને જામીનની શરતો ભંગ કરવાનો આરોપી ગણાવ્યો હતો. ઈક્વેડોરે અસાન્જેનો રાજકીય આશ્રય પાછો ખેંચીલેતા દૂતાવાસે પોલીસને બોલાવી તેમની ધરપકડ કરાવી હતી.
ડિસ્ટ્રિક્ટ જજ માઇકલ સ્નોની કોર્ટમાં અસાન્જેની વિરુદ્ધ અમેરિકન પ્રત્યાર્પણ વોરન્ટ અંગે બીજી મેએ સુનાવણી થઈ હતી. બેલમાર્શ જેલમાંથી વીડિયો લિન્ક દ્વારા વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં હાજર જુલિયન અસાન્જે વિરુદ્ધ યુએસ દ્વારા પ્રત્યાર્પણ કેસની સુનાવણી ગુરુવાર બીજી મેએ શરુ કરાઈ હતી. અસાન્જેએ જજ માઈકલ સ્નોને જણાવ્યું હતું કે તે આરોપોનો સામનો કરવા યુએસ જવાની સંમતિ આપવા તૈયાર નથી. યુએસ સરકારના કાઉન્સેલ બેન બ્રેન્ડને કોર્ટ સમક્ષ પ્રત્યાર્પણ કેસની તમામ વિગતો રજૂ કરી હતી. યુએસ ઈન્ટેલિજન્સ એનાલિસ્ટ ચેલ્સી મેનિંગ અને અસાન્જેએ સંખ્યાબંધ ગુપ્ત લશ્કરી અને રાજદ્વારી દસ્તાવેજો જાહેર કર્યાં હતાં. અમેરિકાના ન્યાય વિભાગે અસાન્જેની વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. લંડન પોલીસે આ કેસના સંદર્ભે પણ અસાન્જેની ધરપકડ કરી છે. અસાન્જેએ જણાવ્યું હતું કે તેને સ્વીડનથી અમેરિકા મોકલી દેવાય તેનો ભય હતો.


