અસામાજિકતા અને અશ્લિલતાની તમામ હદો પાર

નોટિંગહીલ કાર્નિવલ અને રીડિંગ ફેસ્ટિવલમાં બ્રિટિશ યુવા અને સગીરોએ સુસંસ્કૃત સમાજના દાવાઓના વટાણા વેરી નાખ્યા

Wednesday 31st August 2022 06:00 EDT
 
 

લંડન

કોરોના મહામારીના  બે વર્ષ બાદ બ્રિટનમાં વિવિધ કાર્નિવલ અને ફેસ્ટિવલના આયોજન શરૂ થઇ ગયાં છે. પરંતુ તાજેતરમાં યોજાયેલા રીડિંગ એન્ડ લીડ્સ ફેસ્ટિવલ તથા નોટિંગહીલ કાર્નિવલમાં જે રીતે અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવ્યો તે જોઇને એમ લાગી રહ્યું છે કે વિશ્વમાં સૌથી સુસંસ્કૃત હોવાના દાવા કરતા બ્રિટિશ સમાજમાં અને વિશેષ કરીને યુવા પેઢીમાં અસામાજિકતા ઠાંસી ઠાંસીને ભરી છે.

વેસ્ટ લંડનમાં આયોજિત બે દિવસિય નોટિંગહીલ ફેસ્ટિવલ લોહીથી ખરડાયો હતો. બે દિવસના ફેસ્ટિવલની પૂર્ણાહૂતિ સત્તાવાર રીતે 28 ઓગસ્ટના રવિવારે રાત્રે 8-30કલાકે એડલ્ટ્સ ડે પરેડ સાથે કરાઇ હતી. આ પરેડમાં 13 સ્ટીલ બેન્ડ, 72 માસ્ટ બેન્ડ, 6 બ્રાઝિલિયન બેન્ડ, 36 સાઉન્ડ સિસ્ટમ સામેલ કરાયાં હતાં. તે ઉપરાંત ફેસ્ટિવલ સાઇટ ખાતે 300 જેટલાં સ્ટોલ ઊભા કરાયાં હતાં.

જોકે ફેસ્ટિવલની ઉજવણીને છાકટા બનેલા યુવાનો અને યુવતીઓએ અને વિશેષ કરીને એક વંશીય સમુદાયના યુવાઓ દ્વારા હિંસામાં તબદિલ કરી દેવાયો હતો. નશામાં ધૂત આ યુવાઓએ સંખ્યાબંધ સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

ફેસ્ટિવલમાં 21 વર્ષના એક યુવાન ફૂટબોલર અને ડ્રીલરેપરની છૂરાબાજીમાં હત્યા કરી નાખવામાં આવી હતી તથા હિંસક હુમલાની 46 ઘટનાઓ નોંધાઇ હતી. સ્કોટલેન્ડ યાર્ડે હિંસક ઘટનાઓ માટે 209 અસામાજિક તત્વોની ધરપકડ કરી હતી. ફેસ્ટિવલમાં અનેક યુવતીઓની છેડતી કરાઇ હતી. યુવતીઓ પર જાતીય હુમલાના આરોપસર પોલીસે 8 લુખ્ખા તત્વોને ઝડપી લીધાં હતાં. માદકદ્રવ્યોના નશામાં ધૂત યુવાઓએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે માદકદ્રવ્યો સાથે 36ની ધરપકડ કરી હતી. કાયદો વ્યવસ્થા ખોરવવા અને ગુનાહિત નુકસાનના આરોપસર 32 લોકોની ધરપકડ કરાઇ હતી.

ફેસ્ટિવલમાં વર્ષ 2004 પછી પહેલીવાર હત્યાની ઘટના નોંધાઇ હતી. હિંસાને કાબુમાં લેવા અને છાકટા બનેલા અસામાજિક તત્વોને વિખેરવા પોલીસને રાતના 9-30 કલાકથી સેક્શન 60 અંતર્ગત સ્પેશિયલ પાવર અપાયાં હતાં.

 

રીડિંગ એન્ડ લીડ્સ ફેસ્ટિવલ ખાતે સગીરોનાં ટોળાંઓએ ભારે ઉત્પાત મચાવ્યો, કેમ્પસાઇટ પર આગજની અને તોડફોડ

26થી 28 ઓગસ્ટ વચ્ચે લીડ્સના બ્રેમહામ પાર્ક અને રિચફિલ્ડ એવન્યૂ ખાતે આયોજિત રીડિંગ એન્ડ લીડ્સ ફેસ્ટિવલ ખાતે અસામાજિક તત્વો અને છાકટા બનેલા ટીનએજર્સે ભારે ઉત્પાત મચાવ્યો હતો. 28 ઓગસ્ટના રવિવારે ફેસ્ટિવલના છેલ્લા દિવસે બપોરે ચાર કલાકે કેમ્પ સાઇટ પર હિંસાનો પ્રારંભ થયો હતો. ફેસ્ટિવલમાં સામેલ થયેલા યુવાનોએ તંબુઓની આગચંપી કરી હતી અને ખુરશીઓની તોડફોડ મચાવી હતી. આખા કેમ્પમાં ઠેકઠેકાણે વિસ્ફોટો સંભળાયા હતા. કેમ્પ સાઇટ પર એકઠાં થયેલાં હિંસક ટોળાઓએ આગચંપી કરી હાથમાં જે આવ્યું તે આગમાં પધરાવ્યું હતું. નાના બાળકો સાથે આવેલા પરિવારોને હિંસાથી બચવા તાત્કાલિક કેમ્પ સાઇટ ખાતેથી નાસી છૂટવાની ફરજ પડી હતી. પાર્કિંગમાં ધસારો એટલો બધો વધી ગયો હતો કે લોકોને બહાર નીકળતાં કલાકો નીકળી ગયાં હતાં.

નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું હતું કે, ફેસ્ટિવલના સ્ટેજ પર રજૂ કરાતા સંગીતના કાર્યક્રમો બાદ હિપ-હોપ અને અન્ય મ્યુઝિકના સમર્થકો વચ્ચે દરેક આઇટમ પછી મારામારીની ઘટનાઓ જોવા મળી હતી. ફેસ્ટિવલ સાઇટ ખાતે ખૂબ ઓછી સંખ્યામાં સુરક્ષા જવાનો તહેનાત હોવાથી હિંસા નિયંત્રણ બહાર ચાલી ગઇ હતી. રાતના બે વાગ્યા સુધી 16 વર્ષના સગીરોના ટોળાં આમતેમ દોડાદોડ કરીને તોડફોડ મચાવી ચીજવસ્તુઓને આગને હવાલે કરી રહ્યાં હતાં. કેટલાક સગીરોએ સ્કોટિશ ધ્વજ સળગાવતાં સ્થિતિ વધુ વણસી હતી. ઘણા લાંબા સમયપછી થેમ્સ વેલી આર્મ્ડ રિસ્પોન્સ યુનિટને સ્થિતિ પર નિયંત્રણ માટે મોકલાયું હતું. ભારે જહેમત બાદ સશસ્ત્ર પોલીસ દળ તોફાનીઓ પર નિયંત્રણ મેળવી શક્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter