લંડનઃ નેટ ઇમિગ્રેશનમાં ઘટાડો કરવા સરકાર અસાયલમ માટે સૌથી વધુ દાવા કરતા વિદેશી નાગરિકોના દેશોના લોકોના વિઝા નકારી કાઢવાની તૈયારી કરી રહી છે. ગયા વર્ષે 40,000 વિદેશી વિઝાધારકોએ રાજ્યાશ્રય માટે અરજી કરી હતી તેમાંથી 16000 વિદેશી સ્ટુડન્ટ અને 11,500 વર્ક વિઝા ધરાવતા વિદેશી નાગરિકો હતા.
હોમ ઓફિસને શંકા છે કે સ્ટુડન્ટ અને વર્ક વિઝા પર બ્રિટનમાં આવી આ વિદેશી નાગરિકો અસાયલમ માટે દાવો કરતા હોય છે. તેમાં ભારતીય અને બાંગ્લાદેશી નાગરિકો પણ સામેલ છે. હોમ ઓફિસ ભારતીયો પર વિઝા નિયંત્રણો લાદી શકે છે. સ્ટુડન્ટ અને વર્ક વિઝા પર બ્રિટનમાં આવી રાજ્યાશ્રયની માગ કરનારા દેશોના નાગરિકો પર સરકાર વિઝા નિયંત્રણો લાદી શકે છે.
હોમ સેક્રેટરી કૂપરે ચિંતા વ્યક્ત કરી હતી કે સ્ટડી અને વર્ક વિઝા પર આવતા વિદેશીઓ દ્વારા કરાતા અસાયલમના દાવામાં મોટો વધારો થયો છે. તેઓ હોમ ઓફિસ દ્વારા ઉપલબ્ધ રહેણાંક વ્યવસ્થાઓનો પણ ઉપયોગ કરે છે. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર સ્ટડી અને વર્ક વિઝા પર બ્રિટનમાં આવ્યા પછી રાજ્યાશ્રય માટે દાવો કરનારા વિદેશીઓમાં સૌથી વધુ પાકિસ્તાની, નાઇજિરિયન અને શ્રીલંકનનો સમાવેશ થાય છે. ગયા વર્ષે 906 ભારતીયોએ પણ અસાયલમ માટે દાવો કર્યો હતો.

