અસાયલમ માટે માઇગ્રન્ટ્સને સમલૈંગિક પૂરવાર કરવાના કૌભાંડનો પર્દાફાશ

બ્રિટનમાં રાજ્યાશ્રય માટે માઇગ્રન્ટ્સ સમલૈંગિક હોવાનો ડોળ કરે છે, કાયદાકીય સલાહકારો હજારો પાઉન્ડ વસૂલે છે

Tuesday 21st April 2026 12:04 EDT
 
 

લંડન: બ્રિટનમાં અસાયલમ માટે માઇગ્રન્ટ્સ દ્વારા અપનાવવામાં આવતી એક ચોંકાવનારી પદ્ધતિનો અગ્રણી ચેનલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. એક મોટા અન્ડરકવર ઓપરેશનમાં જાણવા મળ્યું છે કે, લો ફર્મ્સ અને ઇમિગ્રેશન સલાહકારોનું એક આખું નેટવર્ક હજારો પાઉન્ડ વસૂલીને વસાહતીઓને સમલૈંગિક તરીકે ખોટી ઓળખ આપી બ્રિટનમાં અસાયલમ અપાવવાનું કૌભાંડ ચલાવી રહ્યું છે.

કાયદા કંપનીઓ અને ઇમિગ્રેશન એડવાઇઝરો દ્વારા જેમના વિઝા પૂરા થઈ રહ્યા છે તેવા પાકિસ્તાની અને બાંગ્લાદેશી માઇગ્રન્ટ્સને બનાવટી પુરાવાઓ તૈયાર કરી આપવામાં આવે છે. જેમાં બનાવટી પત્રો, ફોટોગ્રાફ્સ અને મેડિકલ રિપોર્ટ્સનો સમાવેશ થાય છે. કેટલીક લો ફર્મ્સ આ પ્રકારના બનાવટી ક્લેમ તૈયાર કરવા માટે 7,000 પાઉન્ડ સુધીની ફી વસૂલે છે. તેઓ  મેડિકલ પુરાવા મજબૂત કરવા માટે ડોક્ટરો પાસે જઈને માનસિક તણાવ કે ડિપ્રેશનનો ડોળ કરે છે. આમાં માત્ર ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ અને ટુરિસ્ટ વિઝા પર આવેલા લોકો પણ સામેલ છે. વર્ષ 2025 માં નોંધાયેલા કુલ 1,00,000 આશ્રય દાવાઓમાંથી 35% આ જ જૂથના છે.

આ તપાસના અહેવાલ બાદ હોમ ઓફિસે જણાવ્યું હતું કે, સિસ્ટમનો દુરુપયોગ કરનાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને બ્રિટનમાંથી હાંકી કાઢવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter