લંડનઃ રાજ્યાશ્રયવાંચ્છુઓને હોટેલોમાં રાખવાની નીતિ પર રોક લગાવતા અદાલતી ચુકાદાને કોર્ટ ઓફ અપીલે ઉલટાવી નાખતા સ્ટાર્મર સરકારને મોટી રાહત મળી છે. સરકાર હવે રાજ્યાશ્રયવાંચ્છુઓને હોટેલમાં રાખવાનું ચાલુ રાખી શકશે. અદાલતે જણાવ્યું હતું કે, ગયા સપ્તાહમાં અપાયેલો વચગાળાનો આદેશ ખામીયુક્ત હતો અને તેના કારણે ઘણી કાઉન્સિલો સમાન કાનૂની પગલાં લેવા પ્રેરાઇ હતી.
આ કાયદાકીય લડાઇના કેન્દ્રમાં એસેક્સની એપિંગ કાઉન્સિલમાં આવેલી બેલ હોટેલ છે જ્યાં એક ઇથિયોપિયન રાજ્યાશ્રયવાંચ્છુ દ્વારા 14 વર્ષીય સગીરા પર સેક્સ્યુઅલ એસોલ્ટનો આરોપ મૂકાતાં સ્થાનિક સ્તરે વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયાં હતાં. જેના પગલે કાઉન્સિલે અપીલ કરતાં કોર્ટે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 12 પછી હોટેલમાં રાજ્યાશ્રયવાંચ્છુઓને રાખવામાં ન આવે. જેને હોટેલ માલિકો સોમાની હોટેલ્સ અને હોમ ઓફિસ દ્વારા પડકાર અપાયો હતો. કોર્ટ ઓફ અપીલે આ રોક હટાવી લીધી છે.
કોર્ટ ઓફ અપીલના લોર્ડ જસ્ટિસ બીન , લેડી જસ્ટિસ નિકોલા ડેવિસ અને લોર્ડ જસ્ટિસ કોબે જણાવ્યું હતું કે, વચગાળાની રોક લગાવનાર મિસ્ટર જસ્ટિસ આઇરેએ આ કેસમાં હોમ ઓફિસને સામેલ નહીં કરીને ખામીયુક્ત નિર્ણય લીધો હતો.
કાઉન્સિલો હાર માનવા તૈયાર નથી, કાયદાકીય વિકલ્પોની વિચારણા
કોર્ટ ઓફ અપીલના ચુકાદા છતાં કેટલીક કાઉન્સિલો રાજ્યાશ્રયવાંચ્છુઓને તેમના વિસ્તારોની હોટેલોમાં રાખવા પર રોક લગાવવા કાયદાકીય પગલાંની તૈયારી કરી રહી છે. એપિંગ ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ પણ કોર્ટ ઓફ અપીલના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવાના વિકલ્પો ચકાસી રહી છે. 12 કાઉન્સિલ પર નિયંત્રણ ધરાવતી રિફોર્મ યુકેએ પણ કાયદાકીય વિકલ્પો ચકાસવાનું શરૂ કરી દીધું છે. ટોરી નેતા કેમી બેડનોકે પણ કન્ઝર્વેટિવ કાઉન્સિલોને કાયદાકીય વિકલ્પો તૈયાર કરવા સૂચના આપી છે.
રાજ્યાશ્રયવાંચ્છુઓને હોટેલોના સ્થાને વેરહાઉસમાં રાખવા વિચારણાઃ હોમ સેક્રેટરી
હોમ સેક્રેટરી કૂપરે જણાવ્યું છે કે રાજ્યાશ્રયવાંચ્છુઓને આશ્રય માટે હોટેલોના સ્થાને વેરહાઉસનો ઉપયોગ કરી શકાય. એક ઇન્ટર્વ્યુમાં કૂપરે જણાવ્યું હતું કે, આપણે પહેલાં તો આખી અસાયલમ સિસ્ટમને ઘટાડવાની જરૂર છે જેથી અસાયલમ સિસ્ટમમાં લોકોને ઘટાડી શકાય. અમે વૈકલ્પિક વ્યવસ્થાની વિચારણા કરી રહ્યાં છે. જેમાં વેરહાઉસ ઉપરાંત મિલિટરી અને ઇન્ડસ્ટ્રીયલ સાઇટ્સનો પણ સમાવેશ થાય છે.


