લંડનઃ ગત મંગળવાર ચોથી જાન્યુઆરીની સાંજે એલિંગના વિન્ડમિલ રોડ પર ત્રણ હિંસક ગુંડાઓએ ૧૮ વર્ષના શીખ ટીનેજરને ચહેરા પર ગંભીર ઈજા પહોંચાડી હતી. નામ નહિ આપવા ઈચ્છતા આ તરુણે એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર સાથે ખાસ વાતચીત કરી હુમલા વિશે જણાવ્યું હતું. ટીનેજર આ હુમલો રંગભેદથી પ્રેરિત હોવાનું માનતો નથી. આ હુમલા બાબતે કોઈ ધરપકડ થઈ નથી અને તપાસ-પૂછપરછ ચાલી રહી છે.
શીખ ટીનેજરે જણાવ્યું હતું કે,‘આ હુમલો અટકાવી શકાય તેવો હોવાથી મને તેના વિશે ગુસ્સો છે. મને લાગે છે કે હું ખોટા સમયે ખોટા સ્થળે હતો અને સામાન્ય રીતે હું ત્યાં જતો પણ નથી.’ ટીનેજર ટેક્સીમાં એલિંગ બ્રોડવે તરફ જઈ રહ્યો હતો ત્યારે તેના મિત્રે તેને મળવાનું શક્ય નહિ બને તેમ જણાવ્યું હતું. ટેક્સી ડ્રાઈવરે તેને ઘેર પાછા ઉતારવાનો ઈનકાર કર્યો અને નજીકના નીઆગરા એવન્યુ વિસ્તારમાં ઉતારી દીધો હતો.
ત્રણ ગુંડાએ તેને આંતરી તેની જુરાહ (લાંબા, નહિ કપાયેલા કેશની ગાંઠ) ખોલી તેને માર માર્યો હતો. હુમલાખોરો તેના ફોન પડાવી લઈ નાસી ગયા હતા. નજીકના પ્રીમિયર કન્વિનીઅન્સ સ્ટોર દ્વારા મદદનો ઈનકાર કરાયા પછી આવેલા ટેસ્કો ડિલિવરી ડ્રાઈવરે પોલીસને બોલાવવા ઉપરાંત, ઈજાઓ સાથેના લોહિયાળ ચહેરાને જોઈ એમ્બ્યુલન્સને પણ બોલાવી હતી. તરુણે હુમલા અંગે કહ્યું હતું કે ‘હુમલાખોરોએ તેને ઈજા પહોંચાડવા જુરાહ ખેંચી હોવાનું લાગે છે પરંતુ, તેના લીધે જ મારા પર હુમલો કરાયો હોવાનું હું માનતો નથી.’
શીખ કિશોર પર હુમલો થયાથી આઘાત પામેલા કિરણ પાનેસરનું કહેવું છે કે,‘મારાં પણ બે બાળકો જુરાહમાં કેશ બાંધે છે અને તેમને પણ આવું કશું થઈ જવાની મને ચિંતા થાય છે. અમારી કોમ્યુનિટીમાં આવું કશું થાય ત્યારે માતા તરીકે ચિંતા થાય છે. આ કદાચ રેસિયલ હુમલો નહિ હોય પરંતુ, યુવાન શીખ કિશોર પર હિંસક હુમલામાં જુરાહનો ઉપયોગ કરાયો છે તે પણ સાચું જ છે.’
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ જૂન ૨૦૧૬થી માર્ચ ૨૦૨૦ના ગાળામાં લંડનમાં લૂંટના કિસ્સાઓ ૧૬ ટકા વધ્યા છે જ્યારે સમગ્ર ઈંગ્લેન્ડમાં આવા કિસ્સા છ ટકા છે. હુમલો કરાયેલા તરુણનું માનવું છે કે ‘લંડનમાં આવા હુમલા વધુ સામાન્ય બની રહ્યા છે’ અને લોકો માટે અંધારામાં બહાર એકલા નીકળવું અસુરક્ષિત બન્યું છે.

