અહિંસા જ યુદ્ધનો ઉકેલઃ રાજમોહન ગાંધી

વિશ્વમાં યુદ્ધજ્વર નાબૂદ કરવા અહિંસાના પ્રસાર માટે ભારતીય ડાયસ્પોરાને મહત્વની ભુમિકા ભજવવા મહાત્મા ગાંધીના પૌત્રનું આહવાન, બીજીતરફ હાઉસ ઓફ કોમન્સે એકસૂરે ઇઝરાયેલને સમર્થન જાહેર કર્યું, હમાસ મુદ્દે કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીનો સમાન સૂર

Tuesday 17th October 2023 13:51 EDT
 
 

લંડનઃ વિશ્વમાં ચારેકોર યુદ્ધના નગારા વાગી રહ્યાં છે ત્યારે વિશ્વમાં સત્ય અને અહિંસાની પ્રખર જ્યોત જગાવનારા મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ ગુજરાત સમાચાર દ્વારા આયોજિત વિશેષ સમારોહમાં જણાવ્યું હતું કે, અહિંસાની વિચારધારાના પ્રસાર માટે ભારતીય ડાયસ્પોરાએ મહત્વની ભુમિકા ભજવવી જોઇએ. છેલ્લા એક વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો કોઇ અંત સામે દેખાતો નહોતો ત્યાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફાટી નીકળેલી લડાઇમાં હજારો માનવી હોમાઇ રહ્યાં છે. આવી સ્થિતિમાં અહિંસાની જોરદાર હિમાયત કરતાં રાજમોહન ગાંધીએ જણાવ્યું હતું કે, શાંતિની જાળવણી આકરું લક્ષ્યાંક હોવા છતાં અત્યંત જરૂરી છે. વિશ્વ યુદ્ધગ્રસ્ત બની રહ્યું છે ત્યારે મહાત્મા ગાંધીની અહિંસાની વિચારધારા અત્યંત જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઓછામાં ઓછા પાંચ લાખ સૈનિકોના મોત અથવા તો ઇજાગ્રસ્ત થયાં છે. આ યુદ્ધમાં રશિયાના 1,20,000 સૈનિકના મોત થયાં છે જ્યારે અંદાજિત બે લાખને ઇજા પહોંચી છે. સામે પક્ષે યુક્રેનના 70,000 સૈનિકના મોત થયાં છે જ્યારે 1,20,000 કરતાં વધુ સૈનિકને ઇજા પહોંચી છે. આ તો ફક્ત સૈનિકોના આંકડા છે. આ યુદ્ધમાં સેંકડો યુક્રેની નાગરિકો પણ માર્યાં ગયાં છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તાજેતરમાં ફાટી નીકળેલી અથડામણોમાં ઇઝરાયેલના 1400 કરતાં વધુ નાગરિકો માર્યાં ગયાં છે જ્યારે 4000ને ઇજા પહોંચી છે. ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર કરાયેલા હુમલામાં 3000 નાગરિકોના મોત થયાં છે જ્યારે 10,000થી વધુ ઘાયલ થયાં છે. મકાનોના કાટમાળ નીચે દટાયેલા લોકોની સંખ્યા હજારોમાં હોઇ શકે છે.

આજે માનવી માનવીના લોહીનો તરસ્યો બન્યો છે. વિશ્વના દેશો યુદ્ધ અટકાવવાને બદલે તેની આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યાં છે. વિસ્તારવાદ, પ્રદેશવાદ માનવીને વધુ હિંસક અને ઝનૂની બનાવી રહ્યો છે ત્યારે મહાત્મા ગાંધીની અહિંસાની વિચારધારા જ યુદ્ધો અટકાવી શકે છે. રાજમોહન ગાંધી કહે છે કે જો અહિંસાથી સમસ્યાનો ઉકેલ ન આવી શક્તો હોય તો અહિંસક સત્યાગ્રહનો રસ્તો અપનાવવો જોઇએ. જો હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં અહિંસક સત્યાગ્રહનો માર્ગ અપનાવવામાં આવ્યો હોત તો પરિસ્થિતિ જુદી જ હોત.

બીજીતરફ વિશ્વના દેશો પોતાના કૂટનીતિક લાભોને ધ્યાનમાં રાખીને સોગઠાં રમી રહ્યાં છે. પશ્ચિમના દેશો ઇઝરાયેલનું તો ઇરાન, લેબેનોન, સીરિયા જેવા દેશો હમાસ અને હિઝબુલ્લા જેવા આતંકી સંગઠનનું સમર્થન કરી રહ્યાં છે. બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક સહિત હાઉસ ઓફ કોમન્સે ઇઝરાયેલને સંપુર્ણ સમર્થનની જાહેરાત કરી છે. આપણે હમાસના કૃત્યને નરસંહાર કહી શકીએ છીએ. વડાપ્રધાને હમાસ દ્વારા બંધક બનાવાયેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરતાં જણાવ્યું હતું કે, અમે ઇઝરાયેલની પડખે ઊભા છીએ. લેબર નેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ઇઝરાયેલ અસામાન્ય સ્તરે આતંકવાદનો શિકાર બન્યો છે. લેબર પાર્ટી ઇઝરાયેલની સાથે છે. સમગ્ર બ્રિટન ઇઝરાયેલની પડખે ઊભો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter