લંડનઃ તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ... કંઇ કબીરજીએ અમસ્તું જ નથી કહ્યું. કેટલાક માણસોને માનવ તરીકેનો જન્મ મળ્યો હોવા છતાં લાગતું હોય છે કે તેઓ ભૂલથી માણસ બની ગયા છે. માંહ્યલો તેમને કંઈક બીજું જ બનવા પ્રેરતો હોય છે. ઇંગ્લેન્ડના ગ્રેટર માન્ચેસ્ટરના સેલ્ફોર્ડ ટાઉનમાં રહેતા ૩૭ વર્ષના કેઝ જેમ્સ નામના ભાઈની જ વાત લોને... કેઝભાઇ પોતાને મનુષ્ય નહીં, પણ માણસોના વફાદાર મિત્ર ડોગી જેવા માને છે. ઘણા વર્ષોના છાના સંઘર્ષ પછી હવે આ વાત તેમણે જાહેર કરવાની અને પોતાની જિંદગી પોતાને ગમે એ રીતે જીવવાની શરૂ કરી દીધી છે.
આ માટે તેમણે લગભગ ૨૦૦૦ પાઉન્ડનો બ્રાઉન ફરનો ડોગી સૂટ બનાવડાવ્યો છે અને એ પહેરીને જ તેઓ ફરે છે. કેઝનું કહેવું છે કે બાળપણથી જ તેની આદતો શ્વાનોને મળતી આવતી હતી, પણ એ વખતે તેને એની સભાનતા નહોતી. તેને બધી જ ચીજો સીધી મોંએથી પકડવાનું ગમતું હતું. ચાર પગે ચાલવાનું અને બે પગ વાળીને હાથ આગળ મૂકીને ડોગીની જેમ બેસવું તેની મોસ્ટ કમ્ફર્ટેબલ સ્ટાઇલ હતી. એક સ્ટોરમાં મેનેજરનું કામ કરતા કેઝને ૧૭ વર્ષની ઉંમરે રિયલાઇઝ થવા લાગ્યું હતું કે પોતે ભૂલથી માણસ બની ગયો છે. તેણે પોતાની ડોગી હોવાની ફીલિંગનો જવાબ શોધવા માટે ગૂગલની મદદ લીધી અને તેને પોતાના જેવા ઘણા લોકો મળી આવ્યા. હ્યુમન પપ નામે ઓનલાઇન કમ્યુનિટી ચાલે છે જે એવા માણસોનો મેળાવડો છે જે પોતાને શ્વાન હોત તો સારું થાત એવું માને છે.
આ લોકો પોતાને ગમે એ રીતે જીવવા માટે શું કરવું એના ઉપાયો ઓનલાઇન ચર્ચે છે. આ ચર્ચાઓ પછી હવે કેઝને હિંમત આવી ગઈ છે અને તેણે ડોગ સૂટ પહેરીને જીવવાનું શરૂ કર્યું છે. શેતરંજી પર આળોટીને શરીર ખણવાનું અને ચાર પગે ઘરમાં ફરવાનું શરૂ કર્યા પછી તેનું કહેવું છે કે હવે તેને જાણે પોતે જે છે એવું જીવન જીવી શકે છે એ વાતનો હાશકારો થાય છે. હવે તે મિત્રોને આવકારવા માટે ડોગીની જેમ ભસે છે અને બાઉલમાં ખાવાનું પિરસીને ખાય છે.