બ્રિટનમાં ભલે લોકડાઉન લંબાવાયું હોય, પરંતુ યુરોપના અન્ય દેશોમાં સ્થિતિ સુધરી રહી હોવાથી સરકારોએ લોકડાઉનમાં રાહત આપવાનું શરૂ કર્યું છે.
• ઓસ્ટ્રિયાઃ એક મહિના પછી લોકડાઉન ખોલનારો ઓસ્ટ્રિયા યુરોપનો પહેલો દેશ છે. ભીડભાડ ધરાવતા સ્થળોએ માસ્ક પહેરવું અનિવાર્ય કરાયું છે. રેસ્ટોરાં, હોટેલ પહેલી મે બાદ ખૂલશે.
• સ્પેનઃ આ દેશમાં પણ ૧૩ એપ્રિલથી લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે. કેટલાય સ્થળોએ ફેક્ટરીઓ ધમધમતી થઇ ગઇ છે. ઓફિસો હજુ બંધ છે, અને લોકોને હજુ વર્ક ફ્રોમ હોમની સલાહ આપવામાં આવી છે.
• ઇટાલીઃ ચોથી મે સુધી લોકડાઉન લાગુ છે, પરંતુ ૧૪ એપ્રિલથી પુસ્તકો, બાળકોના કપડાંની દુકાનો ખોલવામાં આવી છે. કેટલાક સ્થળોએ પ્રાદેશિક સરકારોએ આ સુચના માનવાનો ઇન્કાર કર્યો છે.
• ડેનમાર્કઃ ૧૫ એપ્રિલથી પ્રાયમરી સ્કૂલો અને ડે કેર સેન્ટર ખુલ્લા મૂકાયા છે. સાફસફાઇ, વાઇરસથી કઇ રીતે બચવું જોઇએ વગેેરે અંગે શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
• ચેક રિપબ્લિકઃ ૮ એપ્રિલથી જ દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. આમાં સાઇકલ રિપેરીંગ, હાર્ડવેર સ્ટોર, ઘરવખરીની ચીજવસ્તુઓ વગેરે મુખ્ય છે. બહુ જલ્દી વધુ છુટછાટ અપાશે.
• ફ્રાંસઃ ૧૧ મે સુધી લોકડાઉન છે, આ પછી શાળાઓ ખૂલવાનું શરૂ થશે. રાષ્ટ્રપતિ મેક્રોએ જુલાઇની મધ્ય સુધી રેસ્ટોરાં, હોટેલ, કોન્સર્ટ હોલ, મ્યૂઝિયમ અને થિયેટર બંધ રાખવા આદેશ આપ્યો છે.
• પોલેન્ડઃ પોલેન્ડમાં ૧૦ મેના રોજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. આથી ૧૯ એપ્રિલથી લોકડાઉન ટુકડે ટુકડે ઉઠાવાશે. દુકાનો ખોલી શકાશે. જોકે દેશ સાથે જોડાયેલી સીમા ૩ મે સુધી સીલ રાખવા આદેશ છે.
• જર્મનીઃ યુરોપમાં સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા આ દેશે ૨૦ એપ્રિલથી લોકડાઉન હળવું કરીને મોટર વ્હીકલ્સ તેમજ અન્ય સ્ટોર ખોલવાના સંકેત આપ્યા છે. જોકે અન્ય સેક્ટર ચોથી મે બાદ ખૂલવાનું શરૂ થશે.