લંડનઃ પંજાબ નેશનલ બેન્કનું હજારો કરોડનું ફુલેકુ ફેરવી બ્રિટન ભાગી જનારા ભારતના ડાયમંડ મરચન્ટ નીરવ મોદે લંડનની કોર્ટને જણાવ્યું હતું કે, તે આ વર્ષે લંડનની જેલમાંથી મુક્ત થઇ જવાની આશા રાખે છે. લંડનની થેમ્સાઇડ પ્રિઝનમાંથી વીડિયો લિન્ક દ્વારા બાર્કિંગસાઇડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયેલા મોદીએ 1,50,247 પાઉન્ડની બાકી રકમની ચૂકવણી અંગેના સવાલોના જવાબ આપ્યા હતા. હાઇકોર્ટ દ્વારા ડિસેમ્બર 2022માં કોસ્ટ ઓર્ડરની ચૂકવણી નહીં કરવા માટે કરાયેલા દંડના મામલે આ સુનાવણી હાથ ધરાઇ હતી.
કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, નીરવ મોદીએ માર્ચથી નવેમ્બર 2023 સુધી આઠ હપ્તામાં નાણાની ચૂકવણી કરી હતી પરંતુ ત્યારબાદ તેણે કોઇ ચૂકવણી કરી નથી તેથી તેના માથે હજુ 70,247 પાઉન્ડની ચૂકવણી બાકી બોલે છે. આ અંગેના સવાલનો જવાબ આપતાં નીરવ મોદીએ જણાવ્યું હતું કે, હું જેલમાં છું અને નાણાની વ્યવસ્થા કરવા માટે હું મારા તમામ પ્રયાસો કરી રહ્યો છું. માર્ચ મહિનાથી હું ફરી એકવાર નાણાની ચૂકવણી શરૂ કરી શકીશ. કોર્ટના સવાલોના જવાબમાં નીરવ મોદીએ જણાવ્યું હતું કે, આ વર્ષમાં કોઇપણ સમયે હું જેલમાંથી મુક્ત થઇ જઇશ.


