લંડનઃ ભારત બહાર વિશ્વમાં સૌથી મોટી દિવાળી ઉજવણી કરાય છે તેવા યુકેના લેસ્ટર શહેરમાં આ વર્ષે દિવાળીની ઉજવણીમાં મસમોટો કાપ મૂકાયો છે. લેબર પાર્ટીના પ્રભુત્વવાળી લેસ્ટર સિટી કાઉન્સિલે દિવાળીમાં હાથ ધરાતી તમામ ઉજવણી રદ કરવાની જાહેરાત કરી છે. દિવાળી સમયે ફક્ત રોશની કરવામાં આવશે.
આ પહેલાંના વર્ષોમાં કાઉન્સિલ દ્વારા કોસિંગ્ટન રિક્રિએશન ગ્રાઉન્ડ અને બેલગ્રેવ રોડ પર સત્તાવાર રીતે દિવાળી ઉજવણીનું આયોજન કરાતું હતું. દિવાળી નિમિત્તે સ્વિચિંગ ઓન લાઇટ્સ સેરેમનીનું પણ આયોજન કરાતું હતું. ગયા વર્ષે પણ નાણાના અભાવે કાઉન્સિલ દ્વારા સ્વિચિંગ ઓન લાઇટ્સ સેરેમની રદ કરી દેવાઇ હતી અને તમામ પ્રકારના મનોરંજન દિવાળીના દિવસ પુરતા મર્યાદિત કરી દેવાયાં હતાં.
આ વર્ષે સેફ્ટી એડવાઇઝરી ગ્રુપે સ્ટેજ શો, દિવાળી વિલેજ અને આતશબાજીના કાર્યક્રમો નહીં કરવા નિર્ણય લીધો છે. ગયા વર્ષે આ કાર્યક્રમોમાં 55,000 લોકોએ ભાગ લીધો હતો. તેના સ્થાને બેલગ્રેવ રોડને 20 ઓક્ટોબરના રોજ બંધ કરીને લોકોને રેસ્ટોરન્ટની મુલાકાત લેવા અને ગોલ્ડન માઇલ પર શોપિંગ કરવાની સુવિધા કરી અપાશે.