આ શિયાળામાં શા માટે તમારે કોરોના અને ફ્લૂની વેક્સિન લેવી જોઇએ

Wednesday 16th November 2022 04:36 EST
 
 

લંડન

50 વર્ષથી વધુ વયના વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધાશ્રમમાં રહેતા વ્યક્તિઓ, પેઇડ અને અનપેઇડ કેરર્સ, ચોક્કસ બીમારી ધરાવતા લોકો અને ફ્રન્ટલાઇન હેલ્થ કેર સ્ટાફને વિનામૂલ્યે કોરોના અને ફ્લૂની રસી આપવામાં આવી રહી છે. આ રસીઓ શિયાળામાં આ વાઇરસો દ્વારા ફેલાતી ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપી શકે છે. નાના બાળકો અને શાળાના વિદ્યાર્થીઓને પણ ફ્લૂની વેક્સિન આપવામાં આવી રહી છે. એનએચએસના મેડિકલ ડિરેક્ટર ડો. નિક્કી કાનાણીએ તાજેતરમાં જ ફ્લૂ અને કોરોનાની રસી લીધી છે. સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં લાખો લોકોએ રસી મૂકાવી છે. તેઓ કહે છે કે એનએચએસ બ્રિટનમાં હજારો સ્થળો ખાતે કોરોના અને ફ્લૂની વેક્સિન આપે છે. તમે એકસાથે બંને રસી મૂકાવી શકો છો. જોકે આ હંમેશા શક્ય બનતું નથી તેથી તમે વારાફરથી આ વેક્સિન લઇ શકો છો. અમે એનએચએસને કેટલાક સવાલો કર્યા હતા અને ડો. કાનાણીએ અમને તેમાં યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

  1. શું મારે વધુ એક રસી લેવી જરૂરી છે

ફ્લૂની રસી દર વર્ષે લેવી જરૂરી છે કારણ કે ફ્લૂનો વાઇરસ દર વર્ષે બદલાતો રહે છે. સમયની સાથે કોરોના રસી દ્વારા મળેલી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે તેથી ઉચ્ચ જોખમ ધરાવતા લોકોએ ફરી કોરોનાની રસી લેવી જોઇએ. નવી પેઢીની બાયવેલન્ટ વેક્સિન કોરોનાના મૂળ અને નવા વેરિઅન્ટ સામે રક્ષણ વધારે છે.

  1. શું આ રસીઓ સુરક્ષિત છે

એનએચએસ દ્વારા અપાતી તમામ રસીઓની જેમ કોરોના અને ફ્લૂની રસીઓ પણ સુરક્ષિત અને અસરકારક છે. તેમને મેડિસિન એન્ડ હેલ્થકેર રેગ્યુલેટરી એજન્સી દ્વારા માન્યતા મળેલી છે.

  1. શું આ રસીઓ વેજિટેરિયન છે

એનએચએસની કોરોના વેક્સિનોમાં જિલેટિન, ઇંડા અથવા એનિમલ પ્રોડક્ટ નથી. મુસ્લિમ વિદ્વાનો પણ કહી ચૂક્યાં છે કે આ રસીઓ હલાલ છે. ઇન્જેક્ટેબલ ફ્લૂ વેક્સિનમાં પણ જિલેટિન હોતું નથી. તમે ઇંડા વિનાની ફ્લૂ વેક્સિનની માગ પણ કરી શકો છો. ફ્લૂ નસલ સ્પ્રેમાં જિલેટિન હોય છે તેથી તમે ઇન્જેક્ટેબલ રસીનો વિકલ્પ પસંદ કરી શકો છો.

  1. શું ગર્ભાવસ્થામાં આ રસીઓ સુરક્ષિત છે

ગર્ભાવસ્થાના કોઇપણ સમયગાળામાં કોરોના અને ફ્લૂની વેક્સિન લઇ શકાય છે. આ વેક્સિનો તમને વાઇરસથી સંક્રમિત કરતી નથી અને તેની આડઅસરો ઘણી હળવી હોવાથી એક જ દિવસમાં દૂર થઇ જતી હોય છે.

  1. શું હું મારી ચૂકી ગયેલી વેક્સિન લઇ શકું

જો તમે કોરોનાની વેક્સિન લેવાનું ચૂકી ગયા હો તો તમે તમારા ડોઝ બૂક કરાવી શકો છો. વધુ માહિતી માટે www.nhs.uk/wintervaccinations નો સંપર્ક કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter