આંતરરાષ્ટ્રીય દમન અટકાવવા બ્રિટનની વૈશ્વિક ભુમિકાની ભલામણ કરતા લોર્ડ ધોળકિયા

ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સના દમનને અટકાવવા આતંકવાદી સંગઠન જાહેર કરવા આહવાન

Tuesday 03rd March 2026 11:38 EST
 
 

લંડનઃ માનવ અધિકારો પરની સંયુક્ત સમિતિના સભ્ય લોર્ડ ધોળકિયાએ યુકેમાં આંતરરાષ્ટ્રીય દમનના મુદ્દાઓ પર તેની કામગીરી પરના અંતિમ રિપોર્ટ ટ્રાન્સનેશનલ રિપ્રેશન ઇન ધ યુકેની ચર્ચામાં જણાવ્યું હતું કે, આપણે પહેલાં ક્યારેય આંતરરાષ્ટ્રીય દમન જેવો શબ્દ સાંભળ્યો નહોતો. આપણે થોડા વર્ષ પહેલાં પણ આ મુદ્દા પર ચર્ચા કરતા હતા અને આજે પણ આપણે તેને સારી રીતે સમજી શક્તાં નથી.

લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે, કમિટી આ મુદ્દાની સામાન્ય સમજ આપી રહી છે. ચોક્કસ સરકારો તેમની ટેરિટરીની બહાર વ્યક્તિઓ વિરુદ્ધના પગલાં અથવા અપરાધોમાં સંડોવાયેલી હોય છે પરંતુ સરકાર દ્વારા તેનો સ્વીકાર થતો નથી તે ખેદજનક બાબત છે. હું જાણવા ઇચ્છું છું કે સરકાર તેની વ્યાખ્યા માટે ક્યારે સહમત થશે. આપણે સુનિશ્ચિત કરવું જોઇએ કે ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ તથા અન્ય એજન્સીઓ આંતરરાષ્ટ્રીય દમન અંગે બાકીના વિશ્વને જાણકારી આપવામાં ભુમિકા ભજવે.

લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં ઘણા દેશો આ પ્રકારના દમનમાં સંડોવાયેલા હોવાનું મનાય છે. મીડલ ઇસ્ટમાં ઇરાની સરકાર ફક્ત તેની સત્તાને બચાવવા માટે સેંકડો લોકોની હત્યા કરે છે જેથી વિરોધીઓને કચડી શકાય. કોઇપણ પ્રકારના અવરોધને અટકાવી શકાય. ઇરાન પરના ઇન્ટેલિજન્સ અને સિક્યુરિટી કમિટીના  રિપોર્ટને ટાંકતા તેમણે જણાવ્યું હતું કે, ઇરાન યુકેની રાષ્ટ્રીય સુરક્ષા પર ધમકીરૂપ છે.  ધમકી સતત અને કલ્પના ન કરી શકાય તેવી છે. યુકેમાં વર્ષ 2022 પછી શારીરિક હુમલા, અપહરણો અને હત્યામાં વધારાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

લોર્ડ ધોળકિયાએ ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સના દમનને અટકાવવા આતંકવાદી સંગઠન જાહેર કરવા ભલામણ કરી હતી. તેમણે નિર્દોષ લોકોની સુરક્ષા માટે તપાસ એજન્સીઓ અને અદાલતી કાર્યવાહીને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter