લંડનઃ કારના સિક્રેટ કમ્પાર્ટમેન્ટમાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને સંતાડીને માનવ તસ્કરી કરતી ગેંગના સભ્યોને જેલભેગા કરી દેવાયાં છે. આ ગેંગનો સરગણા સ્ટોકપોર્ટનો બ્રિટિશ નાગરિક કુર્દીશ મૂળનો 43 વર્ષીય મુખલિસ જમાલ હમદામિન હતો. તે બનાવટી પાસપોર્ટ તૈયાર કરી ઇરાક અને વિયેટનામના નાગરિકોને યુરોપિયન યુનિયનના દેશોમાં લઇ જતો અને ત્યાંથી તેમને ગેરકાયદેસર રીતે યુકેમાં લાવતો હતો.
વ્યવસાયે વાળંદ એવો હમદામિન માનવ તસ્કરી માટે સ્પેનમાં દોષી ઠરી ચૂક્યો હોવા છતાં તેનું રેકેટ ચલાવી રહ્યો હતો. તેની ગેંગમાં અન્ય 7 સભ્યો પણ સામેલ હતાં. અદાલતે મુખલિસ જમાલ હમદામિનને 13 વર્ષ, મુહમ્મદ જમાલ હમદામિનને 18 મહિના, યાસિન જલાલ મોહમ્મદને 38 મહિના, ડીલાવર ઓમરને 3 વર્ષ 1 મહિનો, એમિલી એથરિંગટનને બે વર્ષ, રેડાર કર્ટિસને સાડા 4 વર્ષ, જોઝેફ કાડેટને 4 વર્ષ બે મહિના, ખાલેસ અકરમ જાબરને બે વર્ષની સજા ફટકારી છે.