આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કારણે યુકેના અર્થતંત્રને 37.4 બિલિયન પાઉન્ડનો ચોખ્ખો લાભ

2021-22માં યુકેની યુનિવર્સિટીઓમાં 3,81,000 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

Tuesday 13th June 2023 13:11 EDT
 
 

લંડનઃ લંડન ઇકોનોમિક્સ સાથે મળીને યુનિવર્સિટી યુકે ઇન્ટરનેશનલ, હાયર એજ્યુકેશન પોલિસી ઇન્સ્ટિટ્યુટ અને કાપ્લાન ઇન્ટરનેશનલ પાથવે દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કારણે યુકેને થતા લાભ અને નુકસાન અંગેના આંકડા જાહેર કરાયાં છે. તેમના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2018-19થી 2021-22 વચ્ચે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કારણે યુકેને થયેલો લાભ 31.3 બિલિયન પાઉન્ડથી વધીને 41.9 બિલિયન પાઉન્ડ પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કારણે યુકેની સરકારી સેવાઓ પરની અસર અને આર્થિક લાભ વચ્ચેનો તફાવત જોવા જઇએ તો પણ યુકેના અર્થતંત્રને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કારણે 37.4 બિલિયન પાઉન્ડનો ચોખ્ખો લાભ થાય છે.

2021-22માં યુકેની યુનિવર્સિટીઓમાં પ્રથમ વર્ષમાં 3,81,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જોડાયા હતા. જે યુકેના ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની વિશ્વમાં કેટલી માગ છે તે દર્શાવે છે. યુનિવર્સિટીઝ યુકે ઇન્ટરનેશનલના ડિરેક્ટર જેમી એરોસ્મિથ કહે છે કે અમારો રિપોર્ટ પૂરવાર કરે છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યુકેમાં સકારાત્મક યોગદાન આપી રહ્યાં છે. તેઓ દેશને સામાજિક અને સાંસ્કૃતિ લાભ કરાવવાની સાથે આપણા અર્થતંત્રમાં પણ મોટું યોગદાન આપી રહ્યાં છે. આપણને એ વાતનું ગૌરવ હોવું જોઇએ કે આપણી યુનિવર્સિટીઓ વિશ્વભરના વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે. યુકે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવકારે એ અત્યંત મહત્ત્વનું છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના યોગદાનની કદર કરવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter