આંદોલનોને કચડી નાખવા પોલીસને વધુ સત્તા આપતો ખરડો સંસદમાં રજૂ કરાયો

મુઠ્ઠીભર લોકોને જાહેર જીવન ખોરવવાનો અધિકાર આપી શકાય નહીં – રિશી સુનાક

Wednesday 18th January 2023 06:17 EST
 
 

લંડન

બ્રિટનમાં દેખાવો અને ધરણા ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તેને અટકાવી દેવાની સત્તાઓ પોલીસને આપવા સરકાર તૈયારી કરી રહી છે. ડાઉનિગ સ્ટ્રીટે જણાવ્યું છે કે આ પ્રસ્તાવો સડકો બ્લોક કરવા અને સ્લો માર્ચ દ્વારા જનજીવન પર અસર પાડનારા લોકો સામે કાર્યવાહી કરવામાં પોલીસને મદદ કરશે. દેખાવો અને ધરણામાં પોલીસે ચોક્કસ ક્યારે કાર્યવાહી કરવી તે સ્પષ્ટ બનાવવામાં આવશે. પરંતુ માનવ અધિકાર સંગઠનોનો આરોપ છે કે સરકારના આ પ્રસ્તાવો વિરોધ કરવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

સરકાર આ માટે પબ્લિકઓર્ડર બિલમાં સુધારાની તૈયારી કરી રહી છે. આ ખરડો સોમવારે સંસદમાં રજૂ કરાયો હતો. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય જસ્ટ સ્ટોપ ઓઇલ જેવા પર્યાવરણ એક્ટિવિસ્ટો દ્વારા જનજીવન ખોરવી નાખતા દેખાવોને અટકાવવાનો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સને આવરી લેતા આ ખરડાની હાલ હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા ચાલી રહી છે. કેટલાક લોર્ડ્સ દ્વારા આ સુધારાનો વિરોધ થાય તેવી સંભાવના છે. આ પહેલાં પણ ઘણા લોર્ડ્સ પોલીસને વધુ સત્તા આપવાનો વિરોધ કરી ચૂક્યાં છે.

10 ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, જનજીવન પર અસર કરતા દેખાવો અને ધરણા અટકાવવા માટે પોલીસને રાહ જોવી નહીં પડે. પોલીસ આંદોલનની વ્યાપક અસરોને ધ્યાનમાં રાખીને પગલાં લઇ શકશે.

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, વિરોધ કરવો મૂળભૂત અધિકાર છે પરંતુ તે અબાધિત અધિકાર નથી. વિરોધના અધિકાર અને જીવન જીવવાના અધિકાર વચ્ચે સંતુલન જરૂરી છે. મુઠ્ઠીભર લોકોને બહુમતી લોકો અને જાહેર જીવન ખોરવી નાખવાનો અધિકાર આપી શકાય નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter