લંડનઃ મોટા ભાગના લોકો વૃદ્ધાવસ્થાના કારણે શરીરમાં થતા ફેરફાર જોઇને પોતાને અશક્ત, કમજોર અનુભવે છે, પણ ૮૯ વર્ષનાં આ દાદીમાની વાત અલગ છે. ડેફની સેલ્ફ નામનાં આ વૃદ્ધાં ઢળતી વયે પણ ષોડશી કન્યાની જેમ સાજ-શણગાર સજે છે. તમને જાણીને નવાઇ લાગશે કે બ્રિટનનાં
આ સૌથી વયોવૃદ્ધ સુપરમોડલે તાજેતરમાં જ એક આઇ બ્રાન્ડના કેમ્પેઇન માટે મોડેલિંગ પણ કર્યું છે.
આજથી લગભગ સાત દસકા પૂર્વે મોડેલિંગ ક્ષેત્રે પદાર્પણ કરનાર ડેફની અત્યાર સુધીમાં ડોલ્સ એન્ડ ગબ્બાના, રાલ્ફ લોરેન અને ટીકે મેક્સ જેવી વિખ્યાત બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કરી ચૂક્યાં છે. જિંદગીની ઢળતી વયે પણ મોડેલિંગ તરીકે કામ કરવા અંગે તેઓ કહે છે કે મને નથી લાગતું કે વૃદ્ધ થવાથી કોઇ મોડેલિંગ ન કરી શકે. આ તો જીવન પ્રત્યેના પોતપોતાના અભિગમની વાત છે. જો હું મારી વાત કરું તો મને કામ કરવું ખૂબ જ ગમે છે. આ ઉંમરે પણ હું રાત્રે કામ પરથી પાછી ફરું છું તો ટ્યુબ કે બસમાં મારી સાથે ઘણા યુવક-યુવતીઓ હોય છે. તેમને જોઇને મને ખુશી મળે છે, આનંદ થાય છે.’
ડેફની ભૂતકાળને વાગોળતાં કહે છે કે ‘મારો ઉછેર બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં થયો હોવાથી જમવાનું બહુ નહોતું મળતું. દરેક ચીજ લિમિટમાં હતી. હું ક્યારેય ખૂબ પાતળી તો નહોતી પણ ક્યારેય મેદસ્વી પણ નથી રહી. આ ઉંમરે પણ મારા પરફેક્ટ ફિગરનું રહસ્ય છે દરેક ચીજ લિમિટમાં આરોગવી. તદુપરાંત, હું બહારનું ખાવાનું ટાળું છું. જાતે રાંધેલું ભોજન ખાઉં છું. અઠવાડિયામાં ત્રણ વખત ખૂબ એક્સરસાઇઝ કરું છું અને પુષ્કળ પાણી પીઉં છું. સાથે સાથે જ જિંદગીને લઇને હંમેશા હકારાત્મક રહી છું. તમને સક્રિય અને ખુશમિજાજ રાખવામાં કોઇ પણ ડાયટ કરતાં હકારાત્મક અભિગમ ઘણો વધારે મદદરૂપ થાય છે.
ડેફની માને છે કે ફેશનેબલ વસ્ત્રો સપ્રમાણ શરીર ધરાવતાં લોકો પર જ સારા લાગે છે, પણ તેનો અર્થ એવો તો નથી જ કે હેલ્ધી અને મેદસ્વી લોકો સ્ટાઇલિશ ન દેખાઇ શકે. આ દાદીમા કહે છે કે પાતળા લોકો દરેક પ્રકારના કપડાં સરળતાથી ટ્રાય કરી શકે છે પણ તમને બીજાથી અલગ પાડતી બાબત છે યોગ્ય પોશ્ચર. યોગ્ય પોશ્ચરમાં સીધા ઊભા રહેવામાં તમારો આત્મવિશ્વાસ છલકે છે અને તમને સ્ટાઇલિશ બનાવે છે.
૧૯૪૯માં મોડેલિંગનો પ્રારંભ
ડેફની જણાવે છે કે ૧૯૪૯માં એક મેગેઝિનમાં એક કોમ્પિટિશનથી તેમની મોડેલિંગ કેરિયરનો પ્રારંભ થયો. હાઇટ સારી હોવાથી તેઓ આસાનીથી જીતી ગયા હતા. ત્યાર બાદ એક મોડેલિંગ એજન્સીમાં માથે પુસ્તક મૂકીને રેમ્પવોક કરવાની ટ્રેનિંગ લીધી. હેર સ્ટાઇલ, મેકઅપ, કારમાંથી કેવી રીતે ઉતરવું વગેરે એટીકેટ પણ શીખ્યા. જોકે, લગ્ન પછી મોડેલિંગ છૂટી ગયું હતું, પરંતુ ઘણી ફિલ્મોમાં તેમણે એક્સ્ટ્રા આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. ૧૯૯૭માં પતિના અવસાન બાદ ફરી મોડેલિંગ ક્ષેત્રે સક્રિય થયાં, જે આજે પણ ચાલુ છે.
ડેફની સેલ્ફને નવા કપડાં પહેરવાનું, સ્ટાઇલિશ અને ક્લાસી દેખાવાનું પસંદ છે. તેમને મોડેલિંગ ખૂબ જ ગમે છે અને છેલ્લા શ્વાસ સુધી આ કામ ચાલુ રાખવા દૃઢ નિશ્ચયી છે.


