આખરે 38 દિવસ બાદ બ્રિટિશ એફ-35બી યુદ્ધવિમાન સ્વદેશ રવાના

હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી બાદ રોયલ નેવીના વિમાને ભારતના કેરળ ખાતે ઇમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું

Tuesday 22nd July 2025 12:33 EDT
 
 

લંડનઃ ભારતના કેરળ ખાતે એક મહિના પહેલાં ઇમર્જન્સી લેન્ડિંગ કરનાર રોયલ નેવીનું એફ-35બી યુદ્ધવિમાન આખરે 22 જુલાઇના મંગળવારના રોજ બ્રિટન જવા ઉડાન ભરી ગયું હતું. વિમાનની હાઇડ્રોલિક સિસ્ટમમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે 14 જૂનથી કેરળના થિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાની મથક ખાતે ખોટકાયેલી હાલતમાં પડ્યું હતું.

કેરળમાં ચોમાસાનો સમય હોવાના કારણે 85 મિલિયન પાઉન્ડના આ યુદ્ધવિમાનને એરપોર્ટ ખાતેના એર ઇન્ડિયાના હેન્ગરમાં રખાયું હતું. યુકેની ટેકનિકલ ટીમ દ્વારા તેની મરામત કરાઇ હતી. વિમાનના ઇમર્જન્સી લેન્ડિંગ બાદ તેને ભારતની સીઆઇએસએફ અને બ્રિટિશ ક્રુની કડક સુરક્ષા હેઠળ રખાયું હતું. ભારતીય એરફોર્સ દ્વારા વિમાનની સુરક્ષા અને મરામત માટે સંપુર્ણ સહકાર અપાયો હતો.

આ યુદ્ધવિમાનનું ઉત્પાદન અમેરિકાની લોકહીડ માર્ટિન કંપની દ્વારા કરાય છે. તેની મરામતમાં 24 બ્રિટિશ અને અમેરિકન ઇજનેરો છેલ્લા ઘણા દિવસથી લાગેલા હતા. લોકહીડ માર્ટિન દ્વારા ઉત્પાદિત આ વિમાનમાં સોફ્ટવેર અને હાર્ડવેરની ખામીઓ પણ સામે આવી રહી છે. કંપનીને મે મહિના સુધીમાં અમેરિકી સરકારને 72 જેટ પૂરા પાડવાના હતા પરંતુ સોફ્ટવેર અપગ્રેડેશનની સમસ્યાના કારણે ડિલિવરી અટકી પડી હતી. અમેરિકી સરકારે સમયસર ડિલિવરી ન મળવાના કારણે ગયા વર્ષે પણ પ્રતિ જેટ વિમાન 5 મિલિયન ડોલરનું પેમેન્ટ અટકાવી દીધું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter