લંડનઃ લગભગ નવ વર્ષથી વિના સુનાવણી ભારતમાં કસ્ટડીમાં રાખવામાં આવેલા બ્રિટિશ નાગરિક જગતાર સિંહ જોહલને દિલ્હી હાઈકોર્ટે મોટી રાહત આપતાં જામીન મંજૂર કર્યા છે. જોકે, તેમના વિરુદ્ધ ચાલી રહેલા આતંકવાદ સંબંધિત કેસોની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને દેશ છોડવાની મંજૂરી આપવામાં આવી નથી.
સ્કોટલેન્ડના ડમ્બાર્ટનના વતની 39 વર્ષીય જગતાર સિંહ જોહલની 2017માં પંજાબમાં તેમના લગ્નના માત્ર બે અઠવાડિયા બાદ અટકાયત કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે 2024ના અગાઉના નિર્ણયને ઉલટાવીને આ ચુકાદો આપ્યો છે.
જગતારને આશરે 39,000 પાઉન્ડના પર્સનલ બોન્ડ પર મુક્ત કરાયા છે. જોકે તેમને તેમનો પાસપોર્ટ અદાલતમાં સરેન્ડર કરવો પડશે. તે ઉપરાંત કેસ સંબંધિત કોઈ પણ જાહેર ટિપ્પણી કે નિવેદન આપવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. ટ્રાયલ ચાલુ હોવાથી તેમણે ભારતમાં જ રહેવું પડશે અને તેઓ હાલ તો સ્કોટલેન્ડ પરત ફરી શકશે નહીં.
જોહલના પરિવારે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવીને આવકાર્યો છે. તેમના ભાઈ ગુરપ્રીત સિંહ જોહલે જણાવ્યું હતું કે, આટલા વર્ષોના સંઘર્ષ બાદ જગતાર આખરે જેલની બહાર આવી શકશે પરંતુ તેમને સંપૂર્ણ આઝાદી મેળવવા માટે હજુ પણ લાંબી કાનૂની લડાઈ લડવી પડશે.
નોંધનીય છે કે, જોહલ વિરુદ્ધ દાખલ કેસોમાં અત્યાર સુધીમાં 163માંથી માત્ર 40 સાક્ષીઓની જ પૂછપરછ પૂર્ણ થઈ છે. માનવઅધિકાર સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ તેમની અટકાયતને ગેરકાનૂની અને માનસિક ત્રાસજનક ગણાવી છે.


