લંડનઃ ભારતના પંજાબમાં પોલીસે યુકેના નાગરિક પરમજિત સિંહ ધાડી ઉર્ફે પંજાબ સિંહની ધરપકડ કર્યાના ઘણા દિવસ પછી તેમને આતંકવાદના કેસમાંથી મુક્ત કરી દીધાં છે. પંજાબ પોલીસે ધાડી વિરુદ્ધ આતંકવાદનો કેસ દાખલ કર્યો હતો. સૌથી પહેલા પાંચમી ડિસેમ્બરે પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે ધાડીની ધરપકડની માહિતી સોશિયલ મીડિયા પર સત્તાવાર રીતે જાહેર કરી હતી. પંજાબ સિંહના નામ સાથેના પાસપોર્ટ સાથે પ્રવાસ કરી રહેલા ધાડીની અમૃતસર એરપોર્ટ પરથી ધરપકડ કરાઇ હતી.
હવે પંજાબ પોલીસે ધાડીને મુક્ત કરી દીધા છે. ધાડીએ જણાવ્યું હતું કે, પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે હું એ પરમજિત સિંહ નથી જેને પોલીસ શોધી રહી છે. મારી પાસે પંજાબ સિંહના નામનો લીગલ પાસર્પોર્ટ છે અને છેલ્લા 10 વર્ષથી હું આ પાસપોર્ટ પર પ્રવાસ કરી રહ્યો છું. હું ભારતથી યુકે મારી પત્ની સાથે પરત ફરી રહ્યો હતો ત્યારે પોલીસે મારી ધરપકડ કરી હતી.


