લંડનઃ ભારતના કડક વલણ સામે ઝૂકી જતા બ્રિટને ૧૧ ઓક્ટોબરથી ભારતથી યુકે આવનારા સંપૂર્ણ વેક્સિનેટેડ પ્રવાસીઓએ ક્વોરેન્ટાઈન રહેવું નહિ પડે તેવી જાહેરાત કરી છે. આમ કોવિશિલ્ડ વેક્સિન અને બે ડોઝ લીધાના સર્ટિફેકેટને માન્યતાના વિવાદનો અંત આવી ‘ઘીના ઠામમાં ઘી ઢળ્યું’ છે. યુકેની નવી ટ્રાવેલ એડવાઈઝરી મુજબ હવે રેડ લિસ્ટમાં માત્ર ૭ દેશ રખાયા છે. ભારત, મેક્સિકો, થાઈલેન્ડ અને સાઉથ આફ્રિકા સહિત ૪૭ દેશમાંથી માન્ય વેક્સિનના બે ડોઝ લીધેલા પ્રવાસીને બ્રિટનમાં ક્વોરેન્ટાઈન રહેવું નહિ પડે અથવા નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ પણ દર્શાવવો નહિ પડે.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જાહેરાત કરી છે કે સરકારના ઈન્ટરનેશનલ ટ્રાવેલ રેડ લિસ્ટમાંથી ભારત, તુર્કી, ઘાના સહિત ૪૭ દેશને ૧૧ ઓક્ટોબરથી દૂર કરવામાં આવ્યા છે. રેડ લિસ્ટમાં માત્ર કોલમ્બિયા, ડોમિનિકન રિપબ્લિક, ઈક્વેડોર, હેઈતી, પનામા, પેરુ અને વેનેઝૂએલા જેવા ૭ દેશને રાખવામાં આવ્યા છે. વિદેશના સંપૂર્ણ વેક્સિનેટેડ પ્રવાસીઓ માટે યુકેમાં આવવાના નિયમો હળવા કરવામાં આવ્યા છે. તેમણે આવતા પહેલાના નેગેટિવ ટેસ્ટ અથવા યુકે આવ્યા પછી ક્વોરેન્ટાઈન રહેવું નહિ પડે. જોકે, પાછા આવ્યાના બીજા દિવસે કોરોના વાઈરસ ટેસ્ટ કરાવવો પડશે.
બ્રિટિશ હાઈ કમિશનર એલિસનું ટ્વિટ
ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે ટ્વીટ કરી બ્રિટન દ્વારા પ્રવાસ નિયમોમાં થયેલા ફેરફારની જાણકારી આપી છે.
બ્રિટિશ હાઈ કમિશનરે ટ્વિટ કરી કહ્યું હતું કે, ‘ભારતથી બ્રિટન જતા ભારતીયો માટે ક્વોરેન્ટાઈન થવાના કોઈ પણ પ્રકારના નિયમો લાગુ નહિપડે. તેઓએ કોવિશિલ્ડ અથવા યુકે દ્વારા માન્ય વેક્સિન લીધી હોવી જરૂરી છે. આ નિયમ ૧૧ ઓક્ટોબરથી લાગુ થશે.’ આ સાથે જ બ્રિટિશ સરકારે ભારત સરકારનો આભાર પણ માન્યો છે. એલેક્સે કહ્યું હતું કે, ‘ગત મહિનાથી આપવામાં આવેલા સહયોગ બદલ ભારત સરકારનો ધન્યવાદ.’
ભારત-યુકેનો ક્વોરેન્ટાઈન વિવાદ
તાજેતરમાં ભારત અને બ્રિટિશ સરકાર વચ્ચે ભારતીયોને ૧૦ દિવસ ક્વોરેન્ટાઈન રાખવાના નિયમ સંબંધે ભારે વિવાદ સર્જાયો હતો. સૌથી પહેલાં બ્રિટને ભારતની વેક્સિનને માન્યતા આપવાનું નકાર્યું હતું. ભારતના તીવ્ર વિરોધ પછી કોવિશિલ્ડને માન્યતા આપી પરંતુ, વેક્સિનેશન સર્ટિફિકેટનો વિવાદ ઉભો કરી ભારતથી બ્રિટન જતા નાગરિકોને ક્વોરેન્ટાઈન થવાનું ફરજિયાત બનાવી દીધું હતું.
ભારત સરકારે પણ ‘શઠં પ્રતિ શાઠ્યમ’નો સિદ્ધાંત અપનાવી બ્રિટિશ નાગરિકો માટે ભારત આવવાના લઈને નિયમો કડક બનાવી ૪ ઓક્ટોબરથી ફરજિયાત ૧૦ દિવસ ક્વોરેન્ટાઈનના નિયમો કરી દીધા હતા.