લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશી બાદ બકિંગહામ પેલેસના સમર્થન સાથે ટાવર ઓફ લંડન ખાતે રાજવી હીરા ઝવેરાતનું પ્રદર્શન આયોજિત કરાયું છે. આ પ્રદર્શન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, કોહિનૂર હીરો ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા મહારાજા દુલિપસિંહ પાસેથી લેવામાં આવ્યો હતો. કોહિનૂર હીરો સોંપી દેવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા મહારાજા દુલિપ સિંહને ફરજ પડાઇ હતી.
26 મેના રોજ ટાવર ઓફ લંડન ખાતે શરૂ કરાયેલા નવા પરમેનેન્ટ ક્રાઉન જ્વેલ એક્ઝિબિશનમાં રોયલ કલેક્શનના હીરા ઝવેરાત રજૂ કરાયા છે. પહેલીવાર આ હીરા ઝવેરાત સાથે સંકળાયલો ઇતિહાસ પણ દર્શાવવામાં આવ્યો છે. 105.6 કેરેટના કોહિનૂર હીરાને સિમ્બોલ ઓફ કોન્ક્વેસ્ટ તરીકે વર્ણવવામાં આવ્યો છે. પ્રદર્શનમાં કોહિનૂર હીરા અંગે જણાવવામાં આવ્યું છે કે, કોહિનૂર હીરાના અગાઉ ઘણા માલિક હતા. તેમાં મોગલ શહેનશાહો, ઇરાનના શાહ, અફઘાનિસ્તાનના અમીર અને શીખ મહારાજાઓનો સમાવેશ થાય છે. 1849માં થયેલી લાહોર સંધિમાં 10 વર્ષના મહારાજા દુલિપ સિંહને કોહિનૂર હીરો અને પંજાબ રાજ્ય ક્વીન વિક્ટોરિયાને સોંપી દેવાની ફરજ પડાઇ હતી.
ક્રાઉન જ્વેલની વેબસાઇટ પર કોહિનૂર હીરા અંગે જણાવવામાં આવ્યું છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1849માં લાહોર સંધિની શરત અંતર્ગત મહારાજા દુલિપ સિંહ પાસેથી કોહિનૂર હીરો લઇ લીધો હતો.


