લંડન – યુદ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને બચાવવા મુદ્દે પ્રચંડ દબાણ સર્જાયા બાદ યુકે સરકારે સુદાનમાંથી બ્રિટિશ નાગરિકોને ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. સુદાનમાં લડી રહેલા બે લશ્કરી જૂથોએ 72 કલાકનો યુદ્ધ વિરામ જાહેર કર્યા પછી સરકારે રોયલ એરફોર્સના વિમાનોને સુદાન મોકલી આપ્યાં છે. રાજધાની ખાર્ટુમ નજીક આવેલા એરફિલ્ડ પરથી રોયલ એરફોર્સના વિમાનો દ્વારા બાળકો સાથેના પરિવારો, વૃદ્ધો અને બીમારોને પ્રાથમિકતા આપી બ્રિટિશ નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. સુદાનમાં લગભગ 4000 જેટલા બ્રિટિશ નાગરિકો ફસાયેલા હોવાનો અંદાજ છે.
આ પહેલાં સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ફસાઇ ગયેલા બ્રિટિશરોને યુકેની સરકારે તરછોડી દેતાં ઉગ્ર આક્રોશ સર્જાયો હતો. તેમનો આરોપ છે કે અન્ય દેશો તેમના નાગરિકોને બચાવીને સલામત સ્થળે ખસેડી રહ્યાં છે ત્યારે યુકેની સરકારે ફક્ત તેના રાજદ્વારીઓ અને તેમના પરિવારોને જ સલામત સ્થળે ખસેડ્યાં છે. ફસાયેલા બ્રિટિશરો એટલા હતાશ થઇ ગયાં હતાં કે ખોરાક ઉપલબ્ધ ન હોવાના કારણે તેમને તેમના પાલતુ પ્રાણીઓની હત્યા કરવાની ફરજ પડી હતી.
સુદાન સ્થિત બ્રિટિશ વિદેશ કચેરીના અધિકારીઓ અને તેમના પરિવારોને રાતના સમયે સ્પેશિયલ ફોર્સિસ દ્વારા ઓપરેશન હાથ ધરીને સલામત ખસેડી લેવાયાં હતાં પરંતુ ફસાયેલા બ્રિટિશ નાગરિકો કહે છે કે અમને અમારા હાલ પર છોડી દેવાયાં છે. એકતરફ ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ઇટાલી અને સ્પેને તેમના સેંકડો નાગરિકોને સલામત સ્થળે ખસેડી લીધા છે ત્યારે યુકેના અધિકારીઓ તેમના નાગરિકોની મદદ કરવાના બદલે ફક્ત રાજદ્વારીઓ અને તેમના પરિવારોને બચાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. યુકેની સરકાર અમને બચાવ કામગીરી અંગે અંધારામાં રાખીને અમારા જીવનો જોખમમાં મૂકી રહી છે.


