લંડનઃ જો આગોતરા પગલાં લેવામાં નહીં આવે તો આગામી બે દાયકામાં લંડન સહિત ઇંગ્લેન્ડના 70 ટકા વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત સર્જાશે. 2030 સુધીમાં 17 વોટર કંપનીઓના વિસ્તારમાં પાણીની ગંભીર અછત ઊભી થઇ શકે છે. કિંગ ફિશર કંપનીના જણાવ્યા અનુસાર 2040 સુધીમાં સમગ્ર સાઉથ ઇંગ્લેન્ડ અને મિડલેન્ડ્સમાં પાણીની અછત સર્જાશે. કિંગ ફિશર કંપનીએ વોટર કંપનીઓ અને પર્યાવરણ એજન્સીઓના આંકડા પરથી આ તારણ આપ્યું છે.
હાલ દેશના કોઇ વિસ્તારમાં પાણીની અછત નથી પરંતુ વધી રહેલી ગરમીના કારણે ઊનાળા લાંબા થતા જશે જેના કારણે યુકેના જળસ્ત્રોતો પર દબાણ સર્જાશે. બીજીતરફ છેલ્લા પાંચ વર્ષમાં પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ પાણીના વપરાશમાં 3 લિટરનો વધારો થયો છે. હાલમાં થેમ્સ નદીમાં પાણીનો પૂરવઠો મધ્યમ છે પરંતુ 2039 સુધીમાં થેમ્સ નદીમાં પાણીની સ્થિતિ ગંભીર બની શકે છે.
લંડનમાં પાણીનો બગાડ વ્યાપક છે. એક સરવેમાં 70 ટકા લોકોએ જણાવ્યું હતું કે, બ્રશ કરતી વખતે તેઓ નળ ખુલ્લો છોડી દે છે. 25 ટકા લોકો જ પાંચ મિનિટ કરતાં ઓછો શાવર લે છે જ્યારે 40 ટકા 8 મિનિટ કે તેના કરતાં વધુ નહાવામાં સમય બગાડે છે. એક સરેરાશ શાવરમાં પ્રતિ મિનિટ 12 લિટર પાણીનો વપરાશ થાય છે. જેના કારણે પાણીનો નાહકનો બગાડ થાય છે. દેશમાં પાઇપ લીક થવાના કારણે પણ પાણીનો વ્યાપક બગાડ થતો રહે છે.
કિગ ફિશરના જણાવ્યા અનુસાર 40 ટકા પાણીનો વપરાશ શાવર, બાથ અને હેન્ડવોશિંગમાં થાય છે. લેવેટરીમાં 30 ટકા પાણીનો વપરાશ થાય છે. અત્યારે દેશમાં પ્રતિ દિવસ સરેરાશ વ્યક્તિ દ્વારા 144 લિટર પાણીનો ઉપયોગ થાય છે.


