આગામી ઉનાળામાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ થવાની સંભાવના

એર ટ્રાફિક કન્ટ્રોલમાં કર્મચારીઓની અછતથી પ્રવાસીઓએ હેરાન થવું પડશે

Tuesday 13th February 2024 12:26 EST
 

લંડનઃ એવિએશન નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે એક ટ્રાફિક કન્ટ્રોલ વિભાગમાં સ્ટાફની અછતના કારણે આગામી ઉનાળામાં પણ હવાઇ પ્રવાસીઓને મોટા પ્રમાણમાં ફલાઇટમાં વિલંબ અને રદ થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. નેશનલ એર ટ્રાફિક સર્વિસમાંથી મોટાપાયે કન્ટ્રોલર્સ નિવૃત્ત થઇ રહ્યાં છે પરંતુ તેની સામે પુરતા પ્રમાણમાં ભરતી થઇ રહી નથી તેથી મુસાફરોને છેલ્લી ઘડીએ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આગામી પાંચ વર્ષમાં આ વિભાગમાં 33 ટકા કરતાં વધુ જગ્યા ખાલી પડશે.

ગયા ઉનાળામાં પણ કર્મચારીઓની અછતના કારણે સેંકડો ફ્લાઇટ રદ કરાઇ હતી જેના કારણે ગેટવિક, હિથ્રો અને ગ્લાસગો એરપોર્ટ પર વિમાનોના સંચાલનમાં મુશ્કેલી સર્જાઇ હતી. નેશનલ એર ટ્રાફિક સર્વિસનો દાવો છે કે તેની પાસે આ વર્ષે પુરતા પ્રમાણમાં કર્મચારીઓ છે પરંતુ રાયનએરે સ્થિતિને અસ્વીકાર્ય ગણાવી છે.

નેશનલ એર ટ્રાફિક સર્વિસની જરીપુરાણી કોમ્પ્યુટર સિસ્ટમ પણ મોટી ચિંતાનો વિષય છે. ગયા ઓગસ્ટમાં આ સિસ્ટમમાં ખામી સર્જાતાં હજારો પ્રવાસીઓ અટવાઇ પડ્યાં હતાં. મોટી સંખ્યામાં વિમાનો ઊડાન ભરી શક્યાં નહોતાં.

વિભાગે જણાવ્યું છે કે કર્મચારીઓની અછત અમારા માટે સૌથી ગંભીર બાબત છે. એક નિવૃત્ત કર્મચારીએ જણાવ્યું હતું કે, આ સમસ્યા આગામી કેટલાક વર્ષ સુધી જારી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter