આગામી ચૂંટણીમાં નહીં ઝંપલાવવા 84 સાંસદોનો નિર્ણય, સૌથી વધુ 52 સાંસદ ટોરી પાર્ટીના

પૂર્વ ચાન્સેલર ક્વાસી ક્વારતેંગે પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી

Tuesday 06th February 2024 10:54 EST
 
 

લંડનઃ વર્તમાન વર્ષના અંત સુધીમાં યોજાનારી સંસદની ચૂંટણીમાં ઘણા સાંસદોએ ઉમેદવારી નહીં નોંધાવવાનો નિર્ણય કર્યો છે. તેમાં મોટા ભાગના કન્ઝર્વેટિવ સાંસદોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 84 સાંસદોએ ફરીથી ચૂંટણીમાં નહીં ઝંપલાવવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. 2019માં 74 સાંસદો અને 2017માં 31 સાંસદોએ ફરીથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું નહોતું.

કન્ઝર્વેટિવ પાર્ટીના સૌથી વધુ 52 સાંસદોએ નવેસરથી ચૂંટણીમાં નહીં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 4 અપક્ષ સાંસદો પણ ફરીવાર ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના નથી. જેની સામે લેબર પાર્ટીના 15 સાંસદોએ ચૂંટણીમાં નહીં ઊભા રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેવી જ રીતે અન્ય પાર્ટીઓના 11 સાંસદોએ પણ ચૂંટણીમાં નહીં ઊભા રહેવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. જેમાં એસએનપીના 9, ગ્રીન પાર્ટી અને પ્લેઇડ સાયમ્રુના એક-એક સાંસદનો સમાવેશ થાય છે.

લીઝ ટ્રસના વડાપ્રધાન તરીકેના ટૂંકા કાર્યકાળમાં ચાન્સેલર રહેલા ક્વાસી ક્વારતેંગે પણ આગામી સંસદની ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરવાની જાહેરાત કરી છે. ક્વારતેંગ 2010થી સ્પેલથ્રોન બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. ક્વારતેંગ 2021માં યુકેના પહેલાં અશ્વેત કન્ઝર્વેટિવ મિનિસ્ટર બન્યા હતા. તેમને ઓક્ટોબર 2022માં 38 દિવસના કાર્યકાળ બાદ ચાન્સેલરપદેથી હટાવી દેવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter