આગામી ચૂંટણીમાં સુનાક અને 15 કેબિનેટ મંત્રીઓનો પરાજય નિશ્ચિત – સરવે

રિશી સુનાકના પગલાં ટોરીઝના ડૂબતાં જહાજને બચાવી શકશે??, સુનાક કેબિનેટના ફક્ત પાંચ મંત્રી ચૂંટણીમાં વિજેતા થાય તેવી સંભાવના

Wednesday 11th January 2023 05:26 EST
 
 

લંડન

બોરિસ જ્હોન્સનના કથિત કૌભાંડો, લીઝ ટ્રસની નિષ્ફળ આર્થિક નીતિએ ટોરી પાર્ટીને ડૂબતું જહાજ બનાવી દીધી છે. એક પછી એક આવી રહેલા સરવે સ્પષ્ટ સંકેતો આપી રહ્યાં છે કે આગામી સંસદની ચૂંટણીમાં ટોરી પાર્ટીનું સદંતર ધોવાણ થઇ જવાનું છે. સરવે દર્શાવી રહ્યાં છે કે ટોરીના મોટાભાગના વરિષ્ઠ નેતાઓ પરાજયનો સામનો કરી રહ્યાં છે. એક સરવે અનુસાર વડાપ્રધાન રિશી સુનાક અને ડેપ્યુટી પીએમ ડોમનિક રાબ સહિત તેમની કેબિનેટના 15 મંત્રી આગામી સંસદની ચૂંટણીમાં જીતે તેની સંભાવના નહીંવત છે. ફોકલડેટા પોલિંગ ફોર બેસ્ટ ફોર બ્રિટનના આંકડા દર્શાવે છે કે હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલે, ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવરલી, ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસ, બિઝનેસ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સ, કોમન્સ લીડર પેની મોર્ડોન્ટ, એન્વાયરમેન્ટ સેક્રેટરી થેરેસે કોફી પણ સંસદની ચૂંટણી જીતી શકવાની સ્થિતિમાં નથી.

રિશી સુનાકની કેબિનેટના ફક્ત પાંચ મંત્રી તેમની બેઠકો જાળવી રાખવામાં સફળ રહે તેવી સંભાવના છે. જેમાં ચાન્સેલર જેરેમી હન્ટ, હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન, માઇકલ ગોવ, નદીમ ઝહાવી અને કેમી બેડનોકનો સમાવેશ થાય છે.

આ તમામ મંત્રી તેમના લેબર પ્રતિસ્પર્ધી સામે પરાજિત થવાનું જોખમ ધરાવે છે જ્યારે ડેપ્યુટી પીએમ ડોમનિક રાબ લિબરલ ડેમોક્રેટ સામે પરાજિત થવાની સંભાવના છે. સરવે અનુસાર અત્યંત મહત્વની ગણાતી 10 બેઠકોના મતદારો તાજેતરના દાયકાઓમાં સતત ટોરી ઉમેદવારને જીતાડતા આવ્યા છે પરંતુ આ વખતે આ તમામ બેઠકો લેબર પાર્ટીની ઝોળીમાં જઇ શકે છે.

બેસ્ટ ફોર બ્રિટનના સીઇઓ નાઓમી સ્મિથે જણાવ્યું હતું કે, સુનાકની કેબિનેટના તમામ મંત્રીનો પરાજય નિશ્ચિત છે પરંતુ અનિર્ણાયક મતદારો તેમને જીવનદાન આપી શકે છે તેથી કીર સ્ટાર્મેરે આ મામલાને હળવાશથી લેવાની જરૂર નથી. મોટી સંખ્યામાં અનિર્ણાયક મતદારો ટોરીના ઉમેદવારોને તક આપતાં રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter